તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પર લખનૌ-રામેશ્વરમ એક્સપ્રેસમાં લાગી ભીષણ આગ, 9 લોકો જીવતા ભૂંજાયા અને 20 લોકો ગંભીર ઈજાગ્રસ્ત

by Dhwani Modi
Train caught fire at Madurai railway station, News Inside

Fire in Train| તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પર શનિવારે વહેલી સવારે મોટી દુર્ઘટના ઘટી છે. અહીં એક પેસેન્જર ટ્રેનના કોચની અંદર આગ લાગવાથી 9 જેટલા લોકો જીવતા ભૂંજાયા. આ ઉપરાંત અન્ય 20 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. રેલવે સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના લખનૌ-રામેશ્વરમ એક્સપ્રેસમાં બની હતી. તમામ 9 મૃતકો યુપીના રહીશ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ જે કોચમાં આગ લાગી તેમાં કુલ 55 મુસાફરો સવાર હતા.

કેવી રીતે લાગી આગ
મળતી માહિતી મુજબ, મદુરાઈ રેલવે સ્ટેશન પર યાત્રી ટ્રેનના એક કોચમાં અચાનક ભીષણ આગ લાગી. આગ સવારે 5.15 વાગ્યાની આસપાસ લાગી હતી. મદુરાઈના ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે પુષ્ટિ કરતા કહ્યું કે, આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા છે અને 20 લોકો ઘાયલ થયા છે જેમને મદુરાઈની ગવર્મેન્ટ રાજાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ બચાવ કામગીરી ચાલુ છે.

અધિકારીઓના જણાવ્યાં મુજબ આગ લાગવાની ઘટનાની સૂચના લગભગ 5.15 વાગે મળી, જ્યારે ટ્રેન મદુરાઈ યાર્ડ જંકશન પર ઊભી હતી. રેલવેના જણાવ્યાં અનુસાર, કેટલાક પેસેન્જરો ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈને કોચમાં ઘૂસી ગયા હતા. રેલવેના જણાવ્યાં મુજબ કોઈ પણ જ્વલનશીલ પદાર્થ રેલવે કોચમાં લઈને જવાની કડક મનાઈ છે. જે કોચમાં આગ લાગી તે એક પ્રાઈવેટ કોચ હતો.

ગેરકાયદેસર રીતે લઈ જઈ રહ્યા હતા સિલિન્ડર
રેલવેના જણાવ્યાં મુજબ, સ્ટેશન અધિકારી દ્વારા 26 ઓગસ્ટના રોજ સવારે 5.15 વાગે મદુરાઈ યાર્ડમાં ખાનગી પાર્ટી કોચમાં આગ લાગવાની સૂચના આપવામાં આવી હતી. જે બાદ તુરંત જ ફાયર સર્વિસને સૂચના આપવામાં આવી અને ફાયર ટેન્ડર ઘટના સ્થળે 5.45 વાગે પહોંચ્યા. ભારે જહેમત બાદ 7.15 વાગે આગ બૂઝાવી લેવામાં આવી હતી. આ ઘટનામાં અન્ય કોચને કોઈ નુકસાન થયું નથી. આ એક ખાનગી પાર્ટી કોચ છે જેને ગઈકાલે નાગરકોઈલ જંક્શન પરથી જોડવામાં આવ્યો હતો. પાર્ટી કોચને અલગ કરીને મદુરાઈ સ્ટેબલિંગ લાઈન પર રાખવામાં આવ્યો છે.

પ્રાઈવેટ પાર્ટી કોચમાં મુસાફરો ગેસ સિલિન્ડરને ગેરકાયદેસર રીતે લઈ જઈ રહ્યા હતા અને આ કારણે આગ લાગી હોવાનું કહેવાય રહ્યું છે. આગ લાગવાની સૂચના પર અનેક મુસાફરો કોચમાંથી બહાર નીકળી ગયા હતા. કેટલાક મુસાફરો પ્લેટફોર્મ ઉપર જ ઉતરી ગયા હતા. અત્રે જણાવવાનું કે, કોઈ પણ વ્યક્તિ IRCTC પોર્ટલ દ્વારા પાર્ટી કોચ બુક કરાવી શકે છે. તેમાં ગેસ સિલિન્ડર જેવી કોઈ પણ જ્વલનશીલ વસ્તુ લઈ જવાની મંજૂરી હોતી નથી.

Related Posts