Bollywood| 23 ઓગસ્ટ, 2023નો દિવસ દરેક ભારતીય માટે સૌથી મોટો દિવસ હતો. આ દિવસે ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સાંજે 6 વાગ્યે ઉતર્યું હતું. તે બાદ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકા, ચીન અને સોવિયત યુનિયન ચંદ્રની સપાટી પર પહોંચી ચૂક્યા છે. ભારતની આ સિદ્ધિથી આખો દેશ ખુશ છે ત્યારે બોલિવૂડ સ્ટાર્સે પણ તમામ વૈજ્ઞાનિકોને આ માટે અભિનંદન પાઠવ્યા છે. આ સાથે જ તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પણ ઈસરોની મહિલા વૈજ્ઞાનિકોના વખાણ કર્યા છે.
અભિનેત્રી કંગના રનૌતે ઈસરોની મહિલા વૈજ્ઞાનિકોના વખાણ કર્યા
વાત એમ છે કે કંગના રનૌતે તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં તેણે ચંદ્રયાન-3 મિશનની મહિલા વૈજ્ઞાનિકોની તસવીર શેર કરી છે. આ દરમિયાન ચંદ્રયાનના મિશનમાં યોગદાન આપનાર ઈસરોની મહિલા વૈજ્ઞાનિકો ખુબ જ ખુશ જોવા મળે છે. અભિનેત્રીએ શેર કરેલી તસવીરમાં તમામ મહિલાઓ સાડી અને બિંદીમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- ‘ભારતના લીડીંગ વૈજ્ઞાનિકો, તેઓ બધા બિંદી, સિંદૂર અને મંગલસૂત્ર સાથે, સાદું જીવન અને ઉચ્ચ વિચારસરણીના પ્રતિક છે. ભારતીયતાનો સાચો સાર.’
PM મોદીએ પણ મહિલા વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી
રવિવારે PM મોદીએ ઈસરોની મહિલા વૈજ્ઞાનિકો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે ચંદ્રયાન-3 એ મહિલા શક્તિનું જીવંત ઉદાહરણ છે. ઘણી મહિલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો આ મિશનમાં સીધી રીતે સામેલ છે. મન કી બાત કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું કે, ભારતની દીકરીઓ હવે અનંત ગણાતી જગ્યા અંતરીક્ષને પણ પડકાર ફેંકી રહી છે. ચંદ્રયાન-3 એ તેની 40 દિવસની સફર પૂર્ણ કર્યા પછી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું.
કંગના ટૂંક સમયમાં આ ફિલ્મોમાં જોવા મળશે
કંગના જલ્દી જ પી. વાસુના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ચંદ્રમુખી 2માં જોવા મળશે. તે બ્લોકબસ્ટર હિટ તમિલ હોરર કોમેડી ફિલ્મ ચંદ્રમુખીની સિક્વલ છે, જેમાં રજનીકાંત અને જ્યોતિકાએ પણ અભિનય કર્યો હતો. ચંદ્રમુખી 2માં કંગના રાજાના દરબારમાં એક ડાન્સર તરીકે જોવા મળશે, જે તેની સુંદરતા અને ડાન્સ માટે જાણીતી છે. તે જ સમયે અભિનેત્રીની સામે રાઘવ લોરેન્સ જોવા મળશે. આ સિવાય અભિનેત્રી તેજસ ફિલ્મમાં એરફોર્સ પાયલટની ભૂમિકામાં જોવા મળશે અને આ ફિલ્મ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય કંગના ટૂંક સમયમાં ફિલ્મ ઈમરજન્સીમાં પણ જોવા મળશે.