Surat| સુરતમાંથી હનીટ્રેપનો વધુ એક કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ વખતે એક ઈન્સ્યોરન્સ એજન્ટ હનીટ્રેપનો શિકાર બન્યો છે. જેમાં એક યુવતીએ વીમો લેવાનો છે તેમ કહીને એજન્ટને ફ્લેટમાં બોલાવ્યો અને ફ્લેટનો દરવાજો બંધ કરી એજન્ટને હનીટ્રેપમાં ફસાવી રૂ. 42 હજાર પડાવી લીધા. યુવકે 6 શખ્સો વિરુદ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અડાજણ પોલીસે યુવકની ફરિયાદના આધારે 2 શખ્સોની ધરપકડ કરી છે.
કોઈ અજાણ્યા વ્યક્તિએ ફ્લેટનો દરવાજો કરી દીધો બંધ
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા LIC એજન્ટ રાહુલને અડાજણના શ્રીજી આર્કેડ સામે આવેલી હાઉસિંગ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ નામના વ્યક્તિએ વીમાના કામ માટે પોતાના ફ્લેટ પર બોલાવ્યો હતો. જેથી રાહુલ દિલીપભાઈના ફ્લેટે પહોંચ્યો હતો, જે બાદ એક યુવતી રાહુલ પાસે આવી હતી અને કોઈ અજાણ્યા વ્યક્તિએ બહારથી ફ્લેટનો દરવાજો બંધ કરી દીધો હતો.
ખોટા કેસમાં ફસાવી દેવાની આપી ધમકી
ફરિયાદીના જણાવ્યા અનુસાર, 5 મિનિટ બાદ ત્રણથી ચાર જણા ફ્લેટનો દરવાજો ખોલીને અંદર આવ્યા હતા અને પોતે અડાજણ પોલીસ સ્ટેશનમાંથી આવ્યા હોવાનું જણાવ્યું હતું. જે બાદ આ શખ્સોએ ‘તમે અહીં ખોટું કામ કરો છો’ એવું કહીને રાહુલને લાકડીથી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
માર મારી રૂપિયા પડાવ્યા
જોકે, રાહુલ પાસે આટલા રૂપિયા ન હોવાથી તેણે ઇન્કાર કરતા ફરી માર માર્યો હતો. જે બાદ આખરે 75,000 રૂપિયામાં પતાવટ કરાઈ હતી. જેમાંથી રૂ.25000 રાહુલને નજીકના ATMમાં લઈ જઈ કઢાવ્યા હતા અને રાહુલના ઘરેથી 17000 રૂપિયાથી વધુ નાણાં પડાવ્યા હતા. જ્યારે બાકીના પૈસા થોડા સમય પછી આપવાનું નક્કી થયું હતું. જે બાદ આ તમામે રાહુલને ખોટા કેસમાં ફસાવી દેવાની અને મારી નાખવાની ધમકી આપી હતી.
યુવકે 6 શખ્સો સામે નોંધાવી ફરિયાદ
આ દરમિયાન રાહુલને આ તમામ સામે શંકા જતા તેણે મિત્રને બોલાવ્યો હતો. અન્ય લોકો આવી રહ્યાની જાણ થતા હનીટ્રેપનું કાવતરૂ ઘડનાર ટોળકી નાસી છૂટી હતી. જે બાદ રાહુલ અડાજણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો, જ્યાં તેણે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. તે પૈકી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે.