Kota, Rajasthan| દેશના કોચિંગ હબ ગણાતા કોટામાં અચાનકથી 2 વિદ્યાર્થીઓના આપઘાતથી ચકચાર મચી છે. ઘટના એવી છે કે, રવિવારે 4 કલાકના અંતરમાં 2 વિદ્યાર્થીઓના આપઘાતથી સમગ્ર કોટા સમસમી ઉઠ્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર 17 અને 18 વર્ષના બે વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.
રાજસ્થાનનું કોટા દેશનું કોચિંગ હબ ગણાય છે. અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય છે. જોકે અહીં વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓ પણ દિવસેને દિવસે ખુબ વધી રહી છે. વિગતો મુજબ ગત રવિવારે 17 વર્ષના આવિષ્કાર કાસલેએ કોચિંગ સેન્ટરના છઠ્ઠા માળેથી કુદીને જીવન ટૂંકાવ્યું હતું. આ સાથે 18 વર્ષના આદર્શ રાજેએ ભાડાના મકાનમાં ફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું હતું.
વિદ્યાર્થીએ કેવા કારણોસર કર્યો આપઘાત ?
17 વર્ષના આવિષ્કાર કાસલે અને 18 વર્ષના આદર્શ રાજના આપઘાત બાદ સમગ્ર કોટા સમસમી ઉઠ્યું છે. પ્રાથમિક ચર્ચા મુજબ આ બંનેએ કોચિંગ ક્લાસિસની આંતરિક પરીક્ષાઓ બાદ આપઘાત કર્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોટામાં એક જ સપ્તાહમાં 6 તો ચાલુ વર્ષે કુલ 22 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે. આ તરફ વિદ્યાર્થીઓમાં માનસિક તણાવને લઇ કોટામાં ઉપરાછાપરી આપઘાતથી સમગ્ર દેશ સ્તબ્ધ બન્યો છે.
રવિવારનો દિવસ બન્યો કાળમુખો, 4 કલાકના અંતરમાં 2 વિદ્યાર્થીઓએ કર્યો આપઘાત
રાજસ્થાનના કોટામાં બે અલગ-અલગ કેસમાં નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની તૈયારી કરી રહેલા બે વિદ્યાર્થીઓએ રવિવારે માત્ર 4 કલાકના ગાળામાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર 17 વર્ષીય આવિષ્કાર સંભાજી કાસલે બપોરે 3.15 વાગ્યે જવાહર નગરમાં તેની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદી ગયો હતો. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ત્રીજા માળે આવિષ્કારે આપઘાતની થોડીવાર પહેલાં જ પરીક્ષા આપી હતી.
વિજ્ઞાનનગર સર્કલ ઓફિસર (CO) ધરમવીર સિંહે જણાવ્યું કે, કોચિંગ ઈન્સ્ટિટ્યૂટનો સ્ટાફ આવિષ્કારને હોસ્પિટલ લઈ ગયો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. ન્યાયક્ષેત્રના અધિકારીના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રના લાતુર જિલ્લાનો ધોરણ-12નો વિદ્યાર્થી આવિષ્કાર કાસલે કોટા શહેરમાં ત્રણ વર્ષથી NEETની તૈયારી કરી રહ્યો હતો અને તલવંડી વિસ્તારમાં ભાડાના રૂમમાં તેના દાદા-દાદી સાથે રહેતો હતો. કસલેના માતા-પિતા મહારાષ્ટ્રમાં સરકારી શાળાના શિક્ષક છે. COએ જણાવ્યું હતું કે, બિલ્ડિંગની સર્પાકાર સીડીને ઢાંકવામાં આવી નથી. સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં આવિષ્કાર છઠ્ઠા માળે કેવી રીતે ચઢ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. CO ધરમવીર સિંઘે જણાવ્યું હતું કે, કસલેની આત્મહત્યા પાછળનું કારણ સંસ્થાની રૂટિન ટેસ્ટમાં તેના ઓછા માર્ક્સ હોઈ શકે છે, કારણ કે તે પહેલા સારા માર્ક્સ મેળવતો હતો, પરંતુ છેલ્લી રૂટિન ટેસ્ટમાં તેના માર્ક્સ 575થી ઘટીને 288 થઈ ગયા હતા.
આવિષ્કારના મૃત્યુના ચાર કલાક પછી વધુ એક આપઘાત
પોલીસના જણાવ્યા અનુસાર કાસલેના મૃત્યુના ચાર કલાક પછી NEETની તૈયારી કરી રહેલા 18 વર્ષના આદર્શ રાજે લગભગ સાંજે 7 વાગે કુન્હાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના ભાડાના રૂમમાં ગળા ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. કુન્હાડીના કાર્યક્ષેત્ર અધિકારી કે. એસ. રાઠોડે જણાવ્યું કે, જ્યારે આદર્શની બહેન અને પિતરાઈ ભાઈ સાંજે 7:30 વાગ્યાની આસપાસ ફ્લેટ પર પહોંચ્યા ત્યારે તેનો રૂમ અંદરથી બંધ હતો. જ્યારે તેમણે રૂમ ખોલ્યો તો તેને આદર્શ છત પર લટકતો જોવા મળ્યો.
અધિકારક્ષેત્ર કે. એસ. રાઠોડે જણાવ્યું કે, જ્યારે આદર્શને નીચે લાવવામાં આવ્યો ત્યારે તે શ્વાસ લઈ રહ્યો હતો, પરંતુ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેનું મોત થયુ હતું. પોલીસના જણાવ્યા અનુસાર બિહારના રોહતાસ જિલ્લાનો રહેવાસી આદર્શ છેલ્લા એક વર્ષથી કોટામાં NEETની તૈયારી કરી રહ્યો હતો અને તેની બહેન અને પિતરાઈ ભાઈ સાથે ભાડાના ફ્લેટમાં રહેતો હતો.