Ahmedabad| ગુજરાત રાજ્યમાં ટૂંક સમય પહેલા જ વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ પદના IPS અધિકારીઓની બદલી થઇ હતી. જે બાદ અમદાવાદ શહેરને તેના નવા પોલીસ કમિશનર તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિક મળ્યા હતા. અમદાવાદ શહેર કમિશનર જી.એસ.મલિકે ચાર્જ સાંભળતાની સાથે જ અમદાવાદ શહેરમાં ઘણા બદલાવને વેગ આપ્યો છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાને અટકાવવા તથા ડ્રગ્સ જેવા દુષણને નાથવા માટે સરાહનીય કામગીરી કરી છે.
આ જ રીતે હવે ગુજરાત પોલીસમાં IPSની બદલી બાદ અમદાવાદ શહેરના 51 આંતરિક પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશન, ટ્રાફિક ડિવિઝન, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ તથા સાઇબર ક્રાઇમમાં ફરજ બજાવતા કુલ 51 PIની શાખા/પોલીસ સ્ટેશન બદલીનો આદેશ પોલીસ કમિશનર જી.એસ.મલિકના નેજા હેઠળ કરવામાં આવ્યો છે.
અમદાવાદ પોલીસના ચર્ચાસ્પદ બનેલા તોડકાંડ બાદ હાઈકોર્ટે પણ સુઓમોટો લેતાં પોલીસ કમિશ્નરે એક પણ પોલીસ સ્ટેશનને બાકાત રાખ્યું નથી. સોલાથી સરખેજ, એલિસબ્રિજ, ચાંદખેડા, સાઈબર ક્રાઈમ અને ટ્રાફિકમાં મોટાપાયે બદલીઓ કરી દેવાઈ છે. 25 ઓગસ્ટની અડધી રાતે ઘરે જતા ભાજપના પૂર્વ ધારાસભ્યના ભાઈને ખખડાવીને 60 હજાર રૂપિયા પડાવી લેવાના કેસ બાદ અમદાવાદ પોલીસનું નામ ખરડાતાં આજે મોટા નિર્ણયો લેવાયા છે. આજના આ ઓર્ડર બાદ કહીં ખુશી કહીં ગમનો માહોલ છે. જી.એસ.મલિકે એક ઝાટકે 51 PIની બદલીનો આદેશ કરતા પોલીસતંત્રમાં આજે દિવસભર આ બદલીઓ ચર્ચામાં રહી છે.
મહત્વનું છે કે, અમદાવાદ શહેર પોલીસ બેડામાં આંતરિક બદલીનો દૌર શરૂ થયો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શહેરના કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે. શહેરમાં પોલીસ ઇન્સ્પેક્ટરની ફરજ બજાવતા 51 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. વહીવટી કારણોસર આ બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા 51 PIની બદલી કરવામાં આવી છે. સોલા હાઇકોર્ટના પીઆઇ જે.બી. અગ્રવાતને કે.ટ્રાફિકમાં મોકલી દેવાયા છે. કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા આર.એચ.સોલંકીને સોલા પોલીસનો હવાલો સોંપાયો છે. વી.જે.જાડેજાને ગુજરાત યુનિવર્સીટીમાંથી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બદલી કરી દેવાઈ છે. તેમના સ્થાને કન્ટ્રિલ રૂમ(L.R)ના આર.વી.વીછીને નિયુક્ત કરાયા છે. એમ.સી.ચૌધરીને વાસણમાંથી પીસીબીમાં ખસેડાયા છે. એલીસબ્રિજ પોલીસ સ્ટેશનના બી.જી.ચેતરીયાને ખસેડી એફ. ટ્રાફિકમાં મોકલી દેવાયા છે. એક સમયે સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને હાલમાં કંટ્રોલ રૂમમાં ચાર્જ સંભાળતા જે.પી.જાડેજાને સી.પી.રીડર જેવી ક્રિમ પોસ્ટ મળી છે. જે.પી.જાડેજાનું નામ એક રાજકીય પ્રકરણમાં આવતાં જે-તે સમયે તેમને સોલામાંથી બદલી દેવાયા હતા. હવે તેમને સી.પી.રીડર પીઆઈ બનાવાયા છે.
ક્રાઈમ બ્રાન્ચમાંથી એમ.એમ.સોલંકીને ખસેડીને તેમને સરખેજનો ચાર્જ સોંપાયો છે. જી.એસ.મલિક નવા કમિશનર બન્યા બાદ મોટાપાયે પોલીસ તંત્રમાં ફેરફાર થશે એ નક્કી હતું. તેમાં પણ તોડકાંડમાં અમદાવાદ પોલીસતંત્રનું નામ બદનામ થાય એ પહેલાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધાવી તાત્કાલિક કાર્યવાહી કરી છે. મલિકે ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર મોટો નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં કંટ્રોલરૂમમાં જવાબદારી નિભાવતા પોલીસ ઇન્સપેક્ટરોને મોટાપાયે એજન્સી અને પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો છે.
જાણો કોની ક્યા બદલી કરાઇ