New Delhi| મોંઘવારીથી પરેશાન દેશની સામાન્ય જનતા માટે એક ખુશ ખબર આવી છે. રક્ષાબંધન પર મોદી સરકાર ગૃહિણીઓને સસ્તા એલપીજી સિલિન્ડરની ભેટ આપી શકે છે. રસોઈ ગેસની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી આ દાવો કરવામાં આવ્યો છે. પરંતુ આ ફાયદો માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મળશે. આ રાહત સિલિન્ડર પર સબસીડી તરીકે આપવામાં આવી શકે છે. દેશમાં 14.2 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં છેલ્લે 1 માર્ચ, 2023ના રોજ ફેરફાર થયો હતો. ત્યારે સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. દિલ્હીમાં હાલ 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1,103 રૂપિયા છે. 1 ઓગસ્ટે 19.2 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થયો હતો. તેની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉજ્જવલા સ્કીમ હેઠળ રસોઈ ગેસ સિલિન્ડર 200 રૂપિયા સસ્તું થશે. PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગમે ત્યારે તેની ઔપચારિક જાહેરાત થઈ શકે છે. છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં એલપીજી સિલિન્ડરની કિંમત બમણી થઈ ગઈ છે. લોકો લાંબા સમયથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં રાહતની રાહ જોઈ રહ્યા છે. 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1103 રૂપિયા, કોલકાતામાં 1129 રૂપિયા, મુંબઈમાં 1102.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1118.50 રૂપિયા છે.
સિલિન્ડરની કિંમત કેટલી વાર બદલાઈ
છેલ્લા ત્રણ વર્ષમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં ધરખમ વધારો નોંધાયો છે. 1 નવેમ્બર, 2020ના તેની કિંમત 594 રૂપિયા હતી. 2 ડિસેમ્બર, 2020 ના રોજ તેને વધારીને 644 રૂપિયા કરવામાં આવી હતી. ત્યારબાદ 15 ડિસેમ્બર 2020ના રોજ આ કિંમત 694 રૂપિયા થઈ ગઈ. ફેબ્રુઆરી 2021માં તેની કિંમત ત્રણ વખત વધારવામાં આવી હતી અને તે 794 રૂપિયા થઈ ગઈ હતી. 1 એપ્રિલ, 2021ના તેમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને તેની કિંમત 809 રૂપિયા થઇ હતી. પરંતુ 1 જુલાઈ, 2021ના રોજ તે વધારીને રૂ.834 કરવામાં આવી હતી. ત્યારબાદ 17 ઓગસ્ટ, 2021ના રોજ તેની કિંમત વધારીને 859.50 રૂપિયા કરવામાં આવી હતી.
1 સપ્ટેમ્બર 2021ના ફરી તેમાં વધારો થયો અને 14.2 કિલોનું સિલિન્ડર દિલ્હીમાં 884.50 રૂપિયા થઈ ગયું હતું. 6 ઓક્ટોબર, 2021ના તેની કિંમત વધી 899.50 રૂપિયા થઈ ગઈ હતી. ત્યારબાદ માર્ચ 2022માં 949.50 રૂપિયા થઈ ગઈ હતી. 7 મે, 2022ના ફરી તેમાં 50 રૂપિયાનો વધારો થયો અને કિંમત 999.50 રૂપિયા થઈ ગઈ હતી. 19 મે, 2022ના તેની કિંમતમાં 3.50 રૂપિયાનો વધારો થતાં કિંમત 1003 રૂપિયા પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ માર્ચ 2023માં ફરી 50 રૂપિયાનો વધારો થયો હતો. વર્તમાનમાં એલપીજી ગેસ સિલિન્ડર 1103 રૂપિયાનો મળી રહ્યો છે.