Delhi| લગ્નજીવનમાં પતિ દ્વારા પત્નીની મારઝૂડ અને યાતનાના ઘરેલુ હિંસાના એક કેસમાં હાઈકોર્ટે મહિલાઓની સુરક્ષા સંબંધી એક મોટી ટીપ્પણી કરીને સમાજને દિશા ચીંધી છે. હાઈકોર્ટનું કહેવું છે કે, કોઈ પણ કાયદો પતિને પત્નીની મારઝૂડનો અધિકાર નથી આપતો. દિલ્હી હાઈકોર્ટે એક દંપતીના એક દાયકા જૂના લગ્નને રદ કરતી વખતે કહ્યું છે કે, કોઈ પણ કાયદો પતિને તેની પત્નીને માર મારવાનો અને ત્રાસ આપવાનો અધિકાર માત્ર એટલા માટે નથી આપતો કે તેણે લગ્ન કર્યા છે. જસ્ટિસ સુરેશ કુમાર કૈટ અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની ડિવિઝન બેંચે કહ્યું, “માત્ર એટલા માટે કે બંને પક્ષકારો પરિણીત છે અને પ્રતિવાદી તેનો પતિ છે, કોઈ પણ કાયદો તેને તેની પત્નીને માર મારવાનો અને ત્રાસ આપવાનો અધિકાર આપતો નથી.
શું હતો કેસ
અપીલકર્તા પત્નીએ દાવો કર્યો હતો કે લગ્ન પછી તરત જ, તેણીને તેના પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને વિવિધ અત્યાચારોનો ભોગ બનવું પડ્યું હતું, જે તેણે એવી આશામાં સહન કર્યું હતું કે ભવિષ્યમાં બધું સારું થઈ જશે. પરંતુ લગ્નના ઘણા વર્ષો બાદ પણ પરિસ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નહોતો.
પીડિતાનું કહેવું છે કે પતિ અને તેના પરિવારના સભ્યોના અત્યાચાર દિનપ્રતિદિન વધતા ગયા હતા કારણ કે તેમનો એક માત્ર ઉદ્દેશ મારાથી છૂટકારો મેળવવાનો હતો. જેથી તેઓ તેમના પુત્રના લગ્ન સમૃદ્ધ પરિવારની અન્ય કોઈ છોકરી સાથે કરી શકે. પત્નીએ પોતાના બયાનમાં જણાવ્યું હતું કે, તેની પાસે દહેજની માગણી કરવામાં આવી હતી, અનેક પ્રસંગોએ તેને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવી હતી. તે ઉપરાંત માર મારવામાં આવ્યો હતો અને ત્રાસ આપવામાં આવ્યો હતો અને વૈવાહિક ઘરમાં નોકરાણીની જેમ વર્તન કરવામાં આવતું હતું. પીડિતા દ્વારા એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેના પતિને પોતાનો ધંધો સ્થાપવા માટે અને આર્થિક સક્ષમ બનાવવા માટે તેની પાસેથી પૈસાની માંગ કરવામાં આવી હતી.
કોર્ટે કેમ મંજૂર કર્યાં છુટાછેડા
કોર્ટે પત્નીની ફરીયાદ સ્વીકારીને છૂટાછેડા મંજૂર કર્યાં હતા. કોર્ટે એ વાતને પણ ખાસ ધ્યાનમાં લીધી કે પતિએ પત્નીને પોતાના ઘરે પાછી લાવવા માટે પણ કંઈ કર્યું નથી. આ બધું સ્પષ્ટ રીતે સૂચવે છે કે તે તેનાથી છૂટકારો મેળવવા માગતો હતો. ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે છૂટાછેડા માટેની અરજી બે વર્ષથી વધુ સમય માટે અલગ થયા બાદ દાખલ કરવામાં આવી હતી અને તેથી, પત્ની હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 13 (આઈબી) હેઠળ છૂટાછેડાના આધારે છૂટાછેડા માટે હકદાર છે.
કોર્ટનું મોટું અવલોકન
દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં એક મોટું અવલોકન કર્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે પરિણિત હોવા માત્રથી કોઈને પણ પત્નીને માર મારવાનો કે તેને યાતના આપવાનો અધિકાર નથી. કોઈ પણ કાયદામાં પતિને આવો અધિકાર નથી આપવામાં આવ્યો છે. આ ઘરેલુ હિંસાનો કેસ બને છે.