Ahmedabad| અમદાવાદના સોલા પોલીસ તોડકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. સોલા પોલીસે કરેલા તોડકાંડને લઈ હાઈકોર્ટે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે જ તપાસ રિપોર્ટ રજૂ કરવા પોલીસ કમિશનરને આદેશ કર્યો છે. આગામી સપ્તાહમાં તોડકાંડ મામલે સુનાવણી હાથ ધરાશે.
અમદાવાદ સોલા પોલીસ તોડકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. સાથે જ આવા કેટલા પોલીસકર્મીઓ જે ગુનાઓ સાથે જોડાયેલા છે તેની વિગત આપવા હાઈકોર્ટને નિર્દેશ કર્યો છે. તેમજ આંકડાકીય માહિતી સાથે રિપોર્ટ આપવા હાઈકોર્ટે પોલીસ કમિશનરને નિર્દેશ કર્યો છે. હવે આગામી દિવસમાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. પરંતું પ્રજાના રક્ષક જ ભક્ષક બનતા કિસ્સા જોઈ હાઈકોર્ટે પોલીસ સામે નારાજગી દર્શાવી છે.
શું છે સમગ્ર મામલો?
તથ્ય અકસ્માત કેસ બાદ શહેર પોલીસ કમિશનરે રાત્રે પણ SG હાઈવે આસપાસ ટ્રાફિક પોલીસને પેટ્રોલિંગ માટે કામગીરી સોંપી હતી. ત્યારે A ટ્રાફિક પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીએ એક દંપત્તિ પાસેથી 60 હજાર રૂપિયાનો તોડ કરતા પોલીસ કર્મીઓ ASI મુકેશભાઈ રામભાઈ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ જગમાલભાઈ પટેલ અને TRB જવાન વિશાલ સોલંકીની ધરપકડ કરી છે.
સોલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઓગણજ નજીક એરપોર્ટથી પોતાના ઘરે જતા દંપત્તિને અટકાવ્યા હતા. બાદમાં તેમને રોકીને તમે જાહેરનામાનો ભંગ કર્યો છે કહીં ગુનો ન નોંધવા બે લાખની માગણી કરી હતી. અંતે 60 હજાર આપવાનું નક્કી થતા પોલીસકર્મીઓ ટેક્સીમાં બેસી ગયા અને દંપતીમાંથી યુવકને પોલીસની ગાડીમાં બેસાડી ATMમાંથી પૈસા ઉપડાવ્યા અને તે પૈસા પડાવી લીધા હતા. ત્યારે ફરિયાદ નોંધાતા સોલા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં A ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીની ડ્યૂટી બનાવના સમયે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હોવાનું તપાસમાં સામે આવતા ત્રણેયની ધરપકડ કરી છે. આ પોલીસ કર્મીની ડ્યૂટી સ્પીડ ગનમાં આવી હતી. પકડાયેલા ASI મુકેશભાઈ રામભાઈ ચૌધરી વર્ષ 2016માં પોલીસમાં ભરતી થયા હતા. પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ જગમાલભાઈ પટેલ વર્ષ 2017માં પોલીસમાં ભરતી થયા હતા.