પંચાયતમાં OBC અનામત મુદ્દે રાજ્ય સરકાર આજે સાંજે કરી શકે છે મોટી જાહેરાત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ કરશે પત્રકાર પરિષદ

by Dhwani Modi
Big announcement by Gujarat Government, News Inside

Gandhinagar|   ગુજરાતમાં પંચાયતમાં OBC અનામત અંગે મોટી જાહેરાત થઈ શકે છે. આજે સાંજે 5 વાગ્યે કમલમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પત્રકાર પરિષદ યોજીને OBC અનામત અંગે મોટી જાહેરાત કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, રાજ્ય સરકાર ઝવેરી પંચનો રિપોર્ટ જાહેર કરી શકે છે. કેબિનેટની બેઠકમાં ઝવેરી પંચના રિપોર્ટનો સ્વીકાર કરાયો છે. સ્થાનિક પંચાયતમાં OBC અનામત મુદ્દે પંચે રિપોર્ટ કર્યો છે. મહત્વનું છે કે, છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી અનેક પંચાયતમાં OBC બેઠક ખાલી છે. કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ટકા OBC અનામતની માંગણી કરી હતી.

ઝવેરી પંચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો હતો રિપોર્ટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે OBC અનામત નક્કી કરવા માટે ઝવેરી પંચની રચના કરવામા આવી હતી. આ દરમિયાન જસ્ટિસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી ત્યારે તેને 90 દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ ઝવેરી પંચ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનો રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હતો. અધ્યક્ષ કલ્પેશ ઝવેરીની અધ્યક્ષતામાં રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.

27.5 ટકા OBC અનામત આપવાની કરી હતી રજૂઆત
ત્યારબાદ પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કે.એસ.ઝવેરીએ જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટના જજમેન્ટ, વિવિધ હાઈકોર્ટના જજમેન્ટના આધારે તૈયાર થયેલો રિપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપી દેવાયો છે. જેમાં દરેક રાજકીય પક્ષને સાંભળવામાં આવ્યા છે. દરેક પક્ષનું માનવું છે કે નોકરીની જેમ જ આમાં પણ અનામત આપવામાં આવે. તેમણે વધુમાં કહ્યું હતું કે, નોકરીની જેમ 27.5 ટકા OBC અનામત આપવાની રજૂઆત હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે અમે વસ્તીના આધારે રિપોર્ટ સોંપ્યો છે. હવે આ મામલે સરકાર પોતાનો નિર્ણય લેશે! રિપોર્ટ સોંપ્યા પછી આયોગની કોઈ જવાબદારી રહેશે નહીં, આ બાબતે સરકાર જ નિર્ણય લેશે. વધુમાં દર વર્ષે OBC અનામત બાબતે આ પ્રકારે રિપોર્ટ આપવો જોઈએ તેવા સુપ્રીમના નિર્દેશના આધારે ભલામણ કરી છે. જેમાં OBCની વસ્તી આધારે બેઠકો થશે.

વિપક્ષે અનેકવાર સરકારને ઘેરી
ઉલ્લેખનીય છે કે, OBC અનામત મુદ્દે વિપક્ષે અનેક વખત સરકારને ઘેરી છે. રાજ્યમાં 52 ટકા OBCની વસ્તી હોય તો 10 ટકાને બદલે 27 ટકા અનામત મળવી જોઈએ. ત્યારે ગુજરાતમાં પાલિકા-પંચાયતોમાં 10 ટકા OBC અનામત આપવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશથી ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં OBCની વસ્તીને લઈને બેઠકો અનામત રાખવી પડે.

નિવૃત મુખ્ય ન્યાયધીશ કે.એસ.ઝવેરીની અધ્યક્ષતામાં કમિટીનું ગઠન
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓ.બી.સી. અનામત માટેની સંસ્થાવાર બેઠકો નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઠરાવથી સમર્પિત આયોગની રચના નિવૃત મુખ્ય ન્યાયધીશ કે.એસ.ઝવેરીના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ સમર્પિત આયોગમાં ચેરમેન ઉપરાંત સભ્ય સચિવ તરીકે ચાર સભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી.

Related Posts