સાળંગપુર મંદિરમાં ‘કિંગ ઓફ સાળંગપુર’ની પ્રતિમા નીચે ભીંતચિત્રોના વિવાદ વચ્ચે મૂર્તિ પર સ્વામિનારાયણ સંપ્રદાયના તિલકથી વિવાદ વધુ વકર્યો

by Dhwani Modi
Another controversy on King of Salangpur statue, News Inside

Botad| સાળંગપુર મંદિરમાં ‘કિંગ ઓફ સાળંગપુર’ની ભવ્ય પ્રતિમા નીચે ભીંતચિત્રોને લઈને સર્જાયેલો વિવાદ સતત વધી રહ્યો છે. સાળંગપુર વિવાદમાં હિન્દુ સંગઠનો, સાધુ-સંતો મહંતો મેદાનમાં ઉતર્યા છે. સાળંગપુર મંદિરમાં નોટિસ મોકલવામાં આવી છે. તો કેટલાક સમાજના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વધુ એક વિવાદ સામે આવ્યો છે. સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી 54 ફૂટ ઊંચી વિશ્વ પ્રસિદ્ધ ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમાને લઈને વિવાદ વકર્યો છે.

મૂર્તિ પર તિલકને લઈને વકર્યો વિવાદ
‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમા પર સ્વામિનારાયણ સંપ્રદાયના તિલકને લઈને વિવાદ સર્જાયો છે. હનુમાનજીની ભવ્ય મૂર્તિ પર સ્વામિનારાયણ સંપ્રયદાયનું તિલક દર્શાવાયું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના તિલકને લઈને વિવાદ વકર્યો છે. ભીંતચિત્રોના ચાલી રહેલા વિવાદની વચ્ચે આ નવો વિવાદ સામે આવ્યો છે.

મને નથી લાગતુ કે તિલક એટલો મોટો વિષય છે: ભક્ત
આ મામલે સાળંગપુર મંદિરે દર્શનાર્થે આવેલા એક ભક્તે જણાવ્યું કે, ‘તિલકને તો બધા પોતાની રીતે અલગ અલગ કરી શકે છે. મુળ તો તે તિલક જ છે. કોઈ ગોળ તિલક કરે છે, કોઈ આડું તિલક કરે છે, કોઈ ઊભું તિલક કરે છે. તો કોઈ લાલ ચંદનનું કરે છે, કોઈ કેસરી ચંદનનું કરે છે, કોઈ કંકુનું કરે છે, કોઈ પીળું તિલકનું કરે છે. હનુમાનજીને દર્શન કરતા દર્શાવવા એ એમની ભૂલ છે, જેને તેમણે સુધારી લેવી જોઈએ. કદાચ એવા ભીંતચિત્રો છે તેને દૂર કરી દે તો ભક્તોની લાગણી ન દુભાય. તિલક તો મને નથી લાગતું કે એટલો મોટો વિષય છે. મૂળ છે તો તિલક જ.’

રક્ષક હતા એનો મતલબ એવો નથી કે હનુમાનજીએ પણ આ ધર્મ અપનાવી લીધોઃ ભક્ત
તો અન્ય ભક્તે જણાવ્યું કે, ‘જ્યાં સુધી આપણને ઈતિહાસ કહેવામાં આવ્યો છે, ત્યાં સુધી એવી ખબર છે કે હનુમાનજી સ્વામિનારાયણ ભગવાનના રક્ષક છે. આ તિલક તો સ્વામિનારાયણ ભગવાનનું તિલક છે, તો હું કોઈ સંપ્રદાયનું અપમાન નથી કરતો પણ આમાં હનુમાનજીનું અપમાન થાય છે. હનુમાનજી રક્ષક હતા, એનો મતલબ એવો નથી કે હનુમાનજીએ પણ સ્વામિનારાયણ ધર્મ અપનાવી લીધો છે. કદાચ હું પણ ખોટો હોઈ શકું તો તેના માટે કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાની નીચે ઈતિહાસ લખેલો હોવો જોઈએ. જે લખવામાં આવ્યો નથી. અહીં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે, તેમને ખબર હોવી જોઈએ કે શું કામ આવું થયું છે. આ વસ્તુ વ્યાજબી નથી.’

શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં સાધુ સંતો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

Related Posts