અમદાવાદમાં મુસ્લિમ યુવતી સાથે ફરતો હિંદુ યુવક પકડાયો, ‘ધર્મના ઠેકેદારો’એ બંનેને આપી તાલિબાની સજા

by Dhwani Modi
Hindu Boy and Muslim Girl abused and beaten by crowd in Ahmedabad, News Inside

Ahmedabad| અમદાવાદના દાણીલીમડામાં પ્રેમી-પ્રેમિકાની જાહેરમાં પીટાઈનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં ‘ધર્મના ઠેકેદારો’ કહેવાતા લોકોએ બે પ્રેમ કરનાર સાથે જાહેરમાં અશોભનીય વર્તન કર્યું અને તેમને માર માર્યો હતો. પ્રેમ તો ધર્મ, સંપ્રદાય, જાતિ, નાતજાતના વાડાથી પર છે, એ તો ગમે ત્યાં, ગમે તેની સાથે થાય તો પછી પ્રેમ કરનારને જાહેરમાં આવી સજા આપવી તાલિબાની હરકત જ કહેવાય પણ આ તો લોકો, બુદ્ધિ તો પાનીએ જ હોય. આવી એક ઘટના 26 ઓગસ્ટે અમદાવાદના દાણીલીમડામાં બની છે જેનો વીડિયો હવે વાયરલ થયો છે.

શું છે વાયરલ વીડિયોમાં
વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે ભીડ બુરખો પહેરેલી યુવતીનો ઢાંકેલો ચહેરો વારંવાર ખોલી રહી છે. યુવતીએ ચહેરો ઢાંકવાનો પ્રયત્ન કર્યો તો એક વ્યક્તિએ કહ્યું કે, તેના બાપને ફોન લગાડો. બીજાએ હિંદુ છોકરાને થપ્પડ મારવાનું શરૂ કર્યું હતું. બીજા ઘણા લોકો પણ યુવકને થપ્પડ મારતા અને ગાળો આપતા જોવા મળે છે. બાદમાં યુવકનો ફોન પણ તેના હાથમાંથી આંચકી લેવામાં આવ્યો હતો. ટોળાએ યુવકને ધમકી આપતા કહ્યું હતું કે, મુસ્લિમ યુવતી સાથે ફરવા જવાની તારી હિંમત કેવી રીતે થઈ. આ ઘટના બાદ અમદાવાદ પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં અકબર પઠાણ, ફૈઝાન શેખ અને હુસૈન સૈયદ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

આ તો તાલિબાની કૃત્ય કહેવાય, વાયરલ વીડિયોથી ભડક્યા લોકો
સોશિયલ મીડિયામાં યુવક અને યુવતીની મારઝૂડનો વીડિયો વાયરલ થતા લોકોમાં રોષની લાગણી ભભૂકી હતી. લોકોએ ટોળાની આવી માનસિકતાને તાલિબાની ગણાવી છે અને કહ્યું કે, પ્રેમ તો ગમે તેની સાથે થાય. શું એક ધર્મ સમુદાયનો વ્યક્તિ બીજા ધર્મની છોકરીને પ્રેમ ન કરી શકે. પ્રેમ કંઈ બંધાયેલો નથી. લોકોએ આ ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી.

વડોદરાના અકોટામાં પણ બની હતી આવી ઘટના
આવો જ બનાવ વડોદરાથી સામે આવ્યો હતો. જેમાં શહેરના અકોટા વિસ્તારમાં એક આઈસક્રીમની દુકાનમાં બે માસ અગાઉ યુવક-યુવતી બેઠા હતા. આ સમયે કેટલાક યુવકો તેમની પાસે આવ્યા હતા અને આવીને સીધા જ યુવકનો કોલર પકડી લીધો હતો. ત્યારબાદ આ તમામે યુવકને તેનું નામ અને સરનામું પૂછ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ તેઓએ બનાવ્યો હતો. જે બાદ તેઓએ યુવક-યુવતીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને વીડિયો વાયરલ કરી દીધો હતો.

 

Related Posts