CBSE Board| રાજ્યભરના CBSE બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સમાચાર ખુબ જ મહત્ત્વના છે. વારંવાર રજા પર રહેતા વિદ્યાર્થીઓની લાલિયાવાડી હવે નહીં ચલાવી લેવાય. તેના માટે CBSE બોર્ડ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત CBSE દ્વારા એક મહત્ત્વનો પરીપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ ઓછામાં ઓછી 75 ટકા હાજરી હશે તો જ વિદ્યાર્થીઓ CBSE બોર્ડની પરીક્ષા આપી શકશે. એટલું જ નહીં વધુ રજા રાખી હશે તો વિદ્યાર્થીએ કારણ અને પુરાવા આપવા પડશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) બોર્ડની પરીક્ષાને લઈને સ્કૂલો માટે પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે ધો. 10 અને 12ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સ્કૂલમાં ઓછામાં ઓછી 75 ટકા હાજરી હોવી ફરજિયાત છે. જો હાજરી ઓછી હશે તો બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે, જે વિદ્યાર્થીઓની હાજરી પૂરી નહીં હોય અથવા તો 75 ટકાથી ઓછી હશે તો એવા વિદ્યાર્થીઓએ ઓછી હાજરીનું કારણ જણાવવું પડશે કે, શા માટે એમની હાજરી ઓછી છે? જો એમ જાણવામાં આવશે કે શાળાઓ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચનાઓનું પાલન કરતી નથી તો બોર્ડ દ્વારા તે શાળા વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે જેમાં નાણાકીય દંડ અથવા શાળામાંથી હકાલપટ્ટીનો પણ સમાવેશ થાય છે.
CBSEના પરિપત્ર મુજબ, શાળાઓ માત્ર તેમના વિદ્યાર્થીઓને વિષય જ્ઞાન આપવા માટે જ નથી. અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ, ઇતર પ્રવૃત્તિઓ તથા ચારિત્ર ઘડતરનો પણ તેમા સમાવેશ થાય છે. CBSEએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે અને બોર્ડની પરીક્ષામાં હાજર રહેવા માટે ઓછામાં ઓછી 75% હાજરી ફરજિયાત નક્કી કરી છે. આવશ્યકતાઓ અને કટોકટીને ધ્યાનમાં રાખીને હાજરીમાં 25% છૂટછાટ આપવામાં આવે છે.
બોર્ડની ટીમ કરી શકે છે સરપ્રાઈઝ ચેકિંગ
CBSE શાળામાં ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓની હાજરી માટે અગાઉથી જાણ કર્યા વિના CBSE બોર્ડ ઓચિંતું ચેકિંગ કરી શકે છે. જો ચેકિંગ દરમિયાન એવું જણાયું કે વિદ્યાર્થીઓ હાજર નથી અને રેકોર્ડ્સ ઉપલબ્ધ નથી, તો શાળા સામે ડિસએફિલિએશનની કાર્યવાહી કરાશે. ચેકિંગ દરમિયાન ટીમ વિદ્યાર્થીની હાજરી સંબંધિત સ્કૂલ હાજરી રજિસ્ટર સહિતની બાબતોની પણ તપાસ કરશે.
રજા માટે વિધાર્થીએ અગાઉથી મંજૂરી લેવી પડશે
મેડિકલ ઈમરજન્સીને કારણે રજા પર હોય તો વિદ્યાર્થીએ તબીબી પ્રિસ્ક્રિપ્શન અને પ્રમાણપત્રો શાળામાં રજૂ કરવા પડશે. અન્ય કિસ્સાઓમાં વિદ્યાર્થીએ શાળાને લેખિતમાં રજાના માન્ય કારણની જાણ કરીને રજા મેળવવા માટેની પ્રક્રિયા કરવી પડશે. જો કોઈ વિદ્યાર્થી વારંવાર શાળામાં આવતો ન હોય તો શાળાએ વાલીઓને લેખિતમાં આ બાબતની જાણ કરવી પડશે.