રક્ષાબંધને આવો ચુકાદો આવતા જીવ બળી જાય! વારંવાર રેપ કરીને ભાઈએ જ સગીર બહેનને બનાવી ગર્ભવતી, કાર્ટે ફટકારી 20 વર્ષની સજા

ઓડિશા હાઈકોર્ટે રક્ષાબંધનના દિવસે જ સગીર બહેનના રેપના દોષી ભાઈને 20 વર્ષની આકરી સજા ફટકારીને તેને જેલ હવાલે કરી દેવાનો આદેશ આપ્યો

by Dhwani Modi
Orissa High Court sentenced sister's guilty brother to custody, News Inside

Odisha| ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર એવા રક્ષાબંધને સામે આવેલી આ ઘટનાથી ખૂબ દુઃખ થાય છે. 14 વર્ષની સગીર બહેન સાથે વારંવાર રેપ કરીને તેને ગર્ભવતી બનાવવા બદલ તેના જ ભાઈને દોષી ઠેરવીને ઓડિશા હાઈકોર્ટે તેને 20 વર્ષની સજા ફટકારી હતી સાથે આ ઘટના પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

જસ્ટિસ સંગમ કુમાર સાહુની સિંગલ બેન્ચે ‘રક્ષાબંધન’ પર ઓપન કોર્ટમાં આ ચુકાદો સંભળાવ્યો હતો. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને કહ્યું હતું કે, “એક ભાઈ એક રક્ષક, વિશ્વાસુ અને આજીવન મિત્ર હોય છે. ભાઈ-બહેન વચ્ચે એક અનોખો સંબંધ છે, જેની ભરપાઈ કોઈ કરી શકતું નથી. બહેન એક અગાધ ખજાનો છે. ભાઈ એક છુપાયેલા હીરો, રક્ષક અને આદર્શ હોય છે.”

શું હતો કેસ?
ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં એક ભાઈએ તેની 14 વર્ષની સગીર બહેન સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને તેને ગર્ભવતી બનાવી હતી. સાથે ધમકી આપી હતી કે આ વિશે કોઈને ન કહે, નહીં તો તેને મારી નાખશે. વારંવાર જાતીય હુમલા કરવા છતાં તેણે ડરના માર્યા આ ઘટનાની જાણ કોઈને કરી ન હતી. પરંતુ જ્યારે માસિક ચક્ર બંધ થતાં પીડિતાએ તેની સહેલીને વાત કરી હતી. જે બાદ બન્ને આંગણવાડી કેન્દ્રમાં ગયા જ્યાં પ્રેગ્નન્સી ટેસ્ટ કરવામાં આવતાં તે પોઝિટીવ નીકળી હતી. આ અંગે માહિતી મળ્યા બાદ સીડીપીઓ, મલ્કાનગિરી અને અન્ય લોકોએ તેને મલકાનગિરીના સ્વધાર હોમમાં રાખી હતી. પીડિતાએ મોડેલ પોલીસ સ્ટેશન, મલકાનગિરીમાં ફરિયાદ નોંધાવી હતી. ટ્રાયલ કોર્ટે અપીલકર્તા સામે આઈપીસીની કલમ 376 (3), 376(2) (N) અને 506 તેમજ પોક્સો એક્ટની કલમ 6 હેઠળ આરોપો ઘડ્યા હતા. ટ્રાયલ કોર્ટે તેને ઉપરોક્ત જોગવાઈઓ હેઠળ દોષી ઠેરવ્યો હતો. ટ્રાયલ કોર્ટના ઉપરોક્ત આદેશથી નારાજ થઈને અપીલકર્તાએ હાઈકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરી હતી.

14 વર્ષની હતી ત્યારે બની ઘટના
આ કેસની હકીકતો જોયા બાદ કોર્ટે આ ઘટનાને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવી હતી અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે એક ભાઈ, કે જેની બહેનની રક્ષા કરવાની સ્વાભાવિક રીતે ફરજ છે, તેણે તેના પર માત્ર જાતીય હુમલો જ નથી કર્યો, પરંતુ આટલી નાની ઉંમરે તેને ગર્ભવતી પણ બનાવી દીધી છે. પીડિતાના સ્કૂલના રજિસ્ટરના આધારે કોર્ટ એ નિષ્કર્ષ પર પહોંચી હતી કે બળાત્કારના સમયે તે સગીર હતી અને તેની ઉંમર લગભગ 14 વર્ષની હતી. વધુમાં, તેણે અપીલકર્તાના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલને નકારી કાઢી હતી કે એફઆઈઆર નોંધવામાં અતિશય વિલંબ થયો હતો.

પીડિતા નોકરાણી તરીકે કામ કરતી હતી
પીડિતા તેના ગામના વિવિધ ઘરોમાં કચરા-પોતા કરીને જીવન નિર્વાહ કરતી હતી, ભાઈ બહેન બન્ને એકલા હતા, તેમના માતા-પિતા નાનપણમાં મરી ગયા હતા. અને આ દરમિયાન દોષી ભાઈએ તેની સાથે હવસનો ખેલ ખેલીને તેને પ્રેગનન્ટ બનાવી હતી. આ ઘટના પર આઘાત વ્યક્ત કરતાં જસ્ટીસે દોષી ભાઈને ફટકારેલી 20 વર્ષની સજા યથાવત રાખી હતી.

 

Related Posts