Ahmedabad| અમદાવાદમાં એરટેગથી યુવતીનો પીછો કરનાર તેના પૂર્વ પ્રેમી સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. યુવતીના ફોનમાં ‘એરટેગ ફાઉન્ડ મુવિંગ વિથ યુ’ના મેસેજ આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે બાદ યુવતીએ યુવક સામે ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે.
પૂર્વ પ્રેમીએ યુવતીની કારમાં એરટેગ મૂક્યું
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરમાં રિયલ એસ્ટેટના વેપાર સાથે સંકળાયેલી યુવતીના ફોનમાં ‘સતત એરટેગ ફાઉન્ડ મુવિંગ વિથ યુ’ના મેસેજ આવી રહ્યા છે. સતત મળતા મેસેજની તપાસ કરાવતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ એર ટેગ મારફતે કોઈ યુવતીની ગતિવિધિ પર સતત નજર રાખતું હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ યુવતી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવતા તેના એક્સ બોયફ્રેન્ડે જ આ કારસ્તાન કર્યું હોવાનું સામે આવ્યું હતું. તેણે યુવતીની કારમાં એર ટેગ મૂક્યું હતું. તે આ એર ટેગની મદદથી યુવતીની ગતિવિધિ પર સતત નજર રાખતો હતો.
આઈફોનના નોટિફિકેશનમાં આરોપીનો ફૂટ્યો ભાંડો
જે બાદ યુવતી સીધી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. જ્યાં તેણે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ સાયબર ક્રાઇમ દ્વારા યુવતીની ફરિયાદ લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
શું છે આ એરટેગ?
આપને જણાવી દઈએ કે, એપલ કંપનીએ ‘એરટેગ’ નામની એક પ્રોડક્ટ વિકસાવી છે. જે બટન જેવી લાગે છે. એરટેગ આપણી સૂટકેસ, મહત્ત્વની ફાઇલ્સ કે કારની કીચેઇન વગેરે સાથે ચોંટાડી શકાય છે. પછી તેને ગમે ત્યાંથી મેપ પર ટ્રેક કરી શકાય છે.