ગાંધીનગર નકલી કોલ લેટર કૌભાંડનો મામલો: પોલીસ તપાસમાં 10 ઉમેદવારો દાહોદ જિલ્લાના હોવાનું સામે આવ્યું

by Dhwani Modi
Gandhinagar fake call letter scam accused, News Inside

Gandhinagar| ગાંધીનગર નકલી કોલ લેટર કૌભાંડમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ કેસમાં દરરોજ ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. ત્યારે હવે આ નકલી કોલ લેટર કૌભાંડમાં વધુ 10 લોકોની ઓળખ છતી થઈ છે. પોલીસની તપાસમાં દાહોદ જિલ્લાના 10 લોકોના નામ સામે આવ્યા છે. આરોપીઓ પાસેથી મળેલા 23 કોલ લેટરમાંથી 10 ઉમેદવારો દાહોદ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા તેઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, ગાંધીનગર પોલીસને સેક્ટર-28ના સરકારી મકાનમાંથી નકલી કોલ લેટર મળી આવ્યા હતા.

શું છે સમગ્ર મામલો?
ગાંધીનગર સેક્ટર 21 પોલીસની ટીમને બાતમી મળી હતી કે, ગાંધીનગર સેક્ટર 28 ખાતે આવેલા સરકારી મકાનમાં રહેતો પ્રકાશચંદ્ર વિકાસચંદ્ર દાતણીયા દારૂ વેચે છે. આ દારૂના જથ્થાને તે પોતાના ઘરે જ રાખે છે. આ બાતમીના આધારે પોલીસની ટીમ તેના ઘરે પહોંચી હતી. જ્યાં તપાસ દરમિયાન મળી આવેલી વસ્તુઓ જોઈને પોલીસની ટીમ ચોંકી ગઈ હતી.

પોલીસને મળી આવ્યા હતા નકલી નિમણૂક પત્રો
પ્રકાશચંદ્રના ઘરેથી પોલીસને બનાવટી સરકારી ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. પ્રકાશચંદ્ર દાતણીયાના ઘરેથી ફોરેસ્ટ, પોલીસ વિભાગના અને પ્રવાસન નિગમના નકલી નિમણૂક પત્રો મળી આવ્યા હતા. જે બાદ મોટા કૌભાંડની આશંકાને લઈને પોલીસે પ્રકાશચંદ્રની ધરપકડ કરી હતી. જે બાદ આ કૌભાંડમાં સામેલ જૈમિન નરેન્દ્રભાઈ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી.

પૈસા લઈને નિમણૂંક પત્રો આપતા હોવાનો ખુલાસો
જે બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી પ્રકાશ દોઢ વર્ષ પહેલા સ્વર્ણિમ સંકુલમાં રોજમદાર તરીકે નોકરી કરતો હતો. આરોપી 1 થી 5 લાખ રૂપિયા લઇને નિમણૂક પત્રો આપતો હોવાનો ખુલાસો થયો હતો. તેના ઘરેથી ગાંધીનગર SP કચેરીના પણ કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા.

કોર્ટે મંજૂર કર્યા 9 દિવસના રિમાન્ડ
પ્રકાશચંદ્ર દાતણીયા અને જૈમિન નરેન્દ્રભાઈ પટેલની ધરપકડ કર્યા બાદ પોલીસે તેઓને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે, કોર્ટે બંને આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલ આ બંને રિમાન્ડ પર છે, તેઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

આરોપીઓની ચાલી રહી છે પૂછપરછ
આ મામલે સેક્ટર 21 પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર આર.એસ.ડામોરે જણાવ્યું હતું કે, પ્રકાશચંદ્ર દાતણીયાના ઘરેથી 23 કોલ લેટર મળી આવ્યા છે. આ કૌભાંડમાં વધુ કેટલાં લોકો સંડોવાયેલા છે, તેની તપાસ કરવામાં આવી રહી છે.

Related Posts