ગુજરાતના યુવાનોને નશાના રવાડે ચડાવી બરબાદ કરવાનું જાણે કારસ્તાન ચાલુ થયુ હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ ગુજરાત યુનિવર્સિટીની બોય્સ હોસ્ટેલમાંથી ગાંજાના છોડ મળી આવ્યા પછી જાણે એક પછી એક લાઇન લાગી હોય તેવી ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે. તે ઘટના બાદ ગાંધીજીની વિચારધારા પર ચાલતી ગુજરાત વિદ્યાપીઠમાંથી દારૂની બોટલ મળી આવી હતી, અને હવે રાજ્યમાં એવી પ્રવૃતિઓ સામે આવી છે જેને કારણે ગુજરાતને કોઇની નજર લાગી હોય તેમ જણાઈ રહ્યું છે. રવિવારે અમદાવાદમાં ઈનડોર ગાંજાનું સૌથી મોટું વાવેતર ઝડપાયું છે.
મળતી માહિતી મુજબ સરખેજના ઓર્ચિડ લેગસી ફ્લેટમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાનગી બાતમીને આધારે પોલીસે અમદાવાદના સરખેજ રોડના ઓર્ચિડ લેગસી ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. જેમાં આ લેબ ઝડપાઈ છે. દરોડા દરમિયાન પોલીસને 200 કુંડામાં માદક પદાર્થના છોડ મળી આવ્યા હતા. હાલમાં પોલીસે તમામ છોડ કબ્જે કર્યા છે.
આ આરોપીઓ માદક પદાર્થના છોડ ઉછેરીને વિદેશમાં વ્યાપાર કરતા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર ઝારખંડના રહેવાસી મુજબ માદક પદાર્થના 200 છોડનો ઉછેર કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે 1 યુવતી અને 2 યુવકોની ધરપકડ કરીને મુદ્દામાલને જપ્ત કર્યો છે. હજુ પણ પોલીસ દ્વારા માદક પદાર્થની લેબમાં તપાસ ચાલી રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.