Gandhinagar| ગાંધીનગરમાં હવે રાજકીય હલચલ થઈ રહી છે. CMOના સંયુક્ત સચિવ પરિમલ શાહની આખરે હકાલપટ્ટી કરાઈ છે. PMOના સચિવ પીકે મિશ્રાની સીધી સૂચના બાદ આ નિર્ણય લેવાયો છે. જોકે, આ બાબતે ગાંધીનગરમાં કોઈ કંઈપણ બોલવા તૈયાર નથી, તમામ અધિકારીઓએ મૌન સેવી લીધું છે. પરંતું માત્ર પરિમલ શાહ એકમાત્ર નથી, જેમને ભુપેન્દ્ર પટેલ સરકારના આવ્યા બાદ CMOમાંથી પાણીચું પકડાવી દેવાયું છે. નવા મુખ્યમંત્રી બાદ પાંચ અધિકારીઓને ચાલુ ફરજમાંથી અલવિદા કરી દેવાયા છે.
કયા કયા પાંચ અધિકારીઓને અલવિદા કરાયા
પરીમલ શાહ, સંયુકત સચિવ
હિતેશ પંડ્યા, પીઆરઓ
ધ્રુમિલ પટેલ, પીએ
એમ ડી મોડીયા, ઓ.એસ.ડી.
વી ડી વાઘેલા, ઓ.એસ.ડી.
હાલ ગાંધીનગરમાં CMO ઓફિસ ચર્ચામાં છે. કારણ કે, છેલ્લા 2 વર્ષમાં ભુપેન્દ્ર પટેલની સરકારમાં આવા એક નહિ પરંતુ 5-5 અધિકારીઓને ફરજ પરથી મુક્ત કરાયા છે. તો બે અધિકારી એવા છે, જેમનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ તેને રિન્યુ કરાયો નથી. આમ, પાંચ અધિકારીઓને પાણીચું પકડાવાયું છે. ત્યારે ગાંધીનગરની ગલિયારાઓમાં ચર્ચા એ પણ છે કે, હાલ CMOમાં હાકલપટ્ટીનો દોર ચાલી રહ્યો છે. આ વચ્ચે વધુ અધિકારીઓને ઘરભેગા કરવાના ભણકારા વાગી રહ્યાં છે. ત્યારે હાલ આ બાબતને લઈને કાનાફૂસી શરૂ થઈ ગઈ છે.
પરિમલ શાહની હાલ હકાલપટ્ટી કરાઈ
પરિમલ શાહ છેલ્લા કેટલાક વર્ષોથી સીએમઓમાં ફરજ બજાવતા હતા. પરંતું તાજેતરમાં ગુજરાત ભાજપના પ્રદિપસિંહ વાઘેલાના પત્રિકાકાંડમાં પરિમલ શાહના ભાણિયા જીમિત શાહ અને પિતા મુકેશ શાહના નામ બહાર આવ્યા હતા. ત્યારે એવી ચર્ચા પણ વહેતી થઈ હતી કે, સીએમઓના ઓફિસમાં જ બેસીને પરિમલ શાહે વાઘેલાની વિરુદ્ધના પત્રિકાના લખાણનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. જીમિત શાહની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે જ પરિમલ શાહનું રાજીનામુ લઈ લેવાય તેવી ચર્ચા હતી, પરંતું તેઓ બચી ગયા હતા. પરંતું આખરે પીએમઓમાંથી તેમને પાણીચું પકડાવી દેવાયું છે.
હિતેશ પંડ્યાનો ભોગ કિરણ પટેલ કેસમાં લેવાયો
મુખ્યમંત્રી કાર્યાલયમાં વધારાના જનસંપર્ક અધિકારી (PRO) હિતેશ પંડ્યાએ આ જ વર્ષે 25 માર્ચ, 2023ના રોજ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જેનુ નામ મહાઠગ કિરણ પટેલને કારણે ચર્ચામાં આવ્યુ હતું. કારણ કે, કિરણ પટેલના હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા સાથેનું કનેક્શન ખૂલ્યુ હતું. જેમાં સરકારની છબી બગડી હતી. જેને કારણે બે દાયકા સીએમઓ ઓફિસમાં કામ કરતા હિતેશ પંડ્યાનો ભોગ લેવાયો હતો.
આ ઉપરાંત સીએમઓ કાર્યાલયમાં યુવા ચહેરો ધરાવતા મુખ્યમંત્રીના પીએ તરીકે કામ કરતા ધ્રુમિલ શાહને પણ રાતોરાત હાંકી કઢાયા હતા. જેના પર આઈએએસ કક્ષાના અધિકારીનો સલાહ આપવાનો અને ચોક્કસ ફાઈલ મંજૂર કરાવવાનો આક્ષેપ થયો હતો. જેથી ધ્રુમિલ પટેલને તાત્કાલિક ધોરણે રાજીનામુ આપવાની સૂચના અપાઈ. તો CMOમાં ટાઉન પ્લાનિંગને લગતી કેટલીક નિર્ણાયક ફાઇલોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિની ગંભીર આક્ષેપ થતા ઓએસડી વીડી વાઘેલાની હાકલપટ્ટી કરાઈ હતી. તેમજ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી તરીકે નિમણુંક કરાયેલા ઓએસડી એમડી મોડીયાને પણ ફરજમુક્તિ અપાઈ હતી, તેમનો કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરાયો હતો.