પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સામાન્ય રીતે મોટી સંખ્યામાં લોકો ફરસાણ તેમજ વિવિધ ફરાળી વાનગીઓ આરોગતા હોય છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 21 દિવસમાં 14,500 કિલો અખાદ્ય ખોરાક ઝડપી પાડવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે કુલ 200 યુનિટ પર ચેકિંગ હાથ ધર્યું હતું. તેમાં તેલ વિક્રેતા, બેકરીની દુકાનો ફરસાણની દુકાનો અને તેમજ ફરાળી વાનગીઓની દુકાનો પર ચેકિંગ કરવામાં આવ્યું હતું.
છેલ્લા 21 દિવસ દરમિયાન પાડવામાં આવેલા મોટા દરોડાની જો વાત કરવામાં આવે તો ગઈ 2 સપ્ટેમ્બરના દિવસે રાજકોટ શહેરના લક્ષ્મીનગર મેઈન રોડ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં શ્રી રામ ગૃહ ઉદ્યોગમાંથી મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો ઝડપાયો હતો. અહીં વોશિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું હતું. આરોગ્ય વિભાગે દરોડા પાડી 850 કિલો વાસી ફરસાણ, અખાદ્ય શિખંડ 200 કિલો, 160 કિલો વાસી મીઠાઈ, 150 કિલો દાઝીયું તેલ ઝડપી પાડ્યું હતું. ફરસાણ, મીઠાઈ, શિખંડ મળીને 5500 કિલો અખાદ્ય જથ્થો ફૂડ વિભાગે સ્થળ પર જ નાશ કર્યો હતો.
રાજકોટના ચુનારા વાળ વિસ્તારમાં ગઈ 24 ઓગસ્ટના દિવસે દાબેલા ચણાના ગોડાઉનમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન આશરે ત્રણ ટન જેટલી અખાદ્ય સામગ્રી મળી આવી હતી. જેમાં આ ગોડાઉનમાં ચણામાં ફૂગ ચડેલી જોવા મળી હતી. તો બીજી તરફ ચણાની અંદર જીવાતો પણ ફરતી જોવા મળી હતી. એટલું જ નહીં ગુટકાના કાગળ પણ ચણા ઉપર જોવા મળ્યા હતા.
આ ઉપરાંત દાબેલા ચણા પણ જે જગ્યાએ રાખવામાં આવ્યા હતા તે ખુલ્લી જમીન ઉપર રાખવામાં આવ્યા હતા. તે બિલકુલ અનહાઇજેનિક રીતે રાખવામાં આવ્યા હતા. આ દાબેલા ચણા જે મસાલા વડે તૈયાર કરવામાં આવતા હતા તે મસાલા ઉપર કોઈ જ એક્સપાયરી ડેટ નહોતી. તેમજ અન્ય કોઈપણ પ્રકારની વિગત આ મસાલા ઉપર રાખવામાં આવી નહોતી. આ સિવાય આ દાબેલા ચણા જે તેલમાંથી બનાવવામાં આવતા હતા તે તેલ પણ વારંવાર ઉપયોગમાં લેવાયું હોય તેમ જણાયું હતું. ત્યારે દરોડા પાડી અખાદ્ય દાબેલા ચણાનો નાશ કરવામાં આવ્યો હતો.