સાળંગપુર ભીંતચિત્રો વિવાદમાં હવે રાજ્ય સરકારની થશે એન્ટ્રી, આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે બેઠક

by Dhwani Modi
CM Bhupendra Patel will hold a meeting with Swaminarayan Saints, News Inside

Salangpur Controversy: સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે. સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ હવે સરકાર સુધી પહોંચ્યો છે. આજે બપોરે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે મહત્વની બેઠક યોજવા જઈ રહી છે. આજે બપોરે 3 વાગ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ સંતો સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે.

લંબે નારાયણ આશ્રમ ખાતે મળી હતી બેઠક
ગુજરાતભરમાં વર્તમાન સમયમાં સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ ચર્ચાઈ રહ્યો છે. જેને લઈને સનાતની સાધુ-સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સામ-સામે આવી ગયા છે. ગઈકાલે અમદાવાદ-સાણંદ હાઈવે પર આવેલા લંબે નારાયણ આશ્રમ ખાતે રાજ્યભરના સાધુ-સંતો એકઠા થયા હતા. લંબે નારાયણ આશ્રમ ખાતે ડૉ. જ્યોતિર્નાથ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સાધુ-સંતોની બેઠકમાં 13 જેટલા વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. તો બીજી બાજુ ગઈકાલે સાળંગપુર ખાતે સ્વામિનારાયણ સંતોએ બેઠક કરી સમગ્ર વિવાદને શાંત કરવા માટે ચર્ચા કરી હતી.

સાળંગપુર ખાતે સંતોની યોજાઈ હતી બેઠક
આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય 6 મંદિરના 50 જેટલા સંતો હાજર રહ્યાં હતા. જેમાં વડતાલ, જૂનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના સંતો ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો પણ હાજર રહ્યા હતા. તેમજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. મહત્વનું છે કે, આ બેઠકમાં આર.એસ.એસના આગેવાનોએ પણ ખાસ હાજરી આપી હતી.

અગાઉ મહંતો અને કોઠારી સ્વામી વચ્ચે યોજાઈ હતી બેઠક
અત્રે જણાવી દઈએ કે, આ પહેલા સાળંગપુરમાં હનુમાનજીના ભીતચિંત્ર વિવાદ વચ્ચે ગઈકાલે સાધુ-સંતોએ રેલી કાઢ્યા બાદ મહંતો અને કોઠારી સ્વામી વચ્ચે બેઠક યોજાઇ હતી. ત્યારબાદ લક્ષ્મણજી મંદિરનાં મહામંડલેશ્વર જગદેવ દાસજીનુ નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભીંતચિંત્ર હટાવવા અમે 2 દિવસનો સમય આપ્યો છે. આ સાથે ઉમેર્યું કે, કોઠારી સ્વામીજીએ અમને બાહેંધરી આપી છે. જોકે હવે જોવું એ રહ્યું કે, આ બે દિવસમાં ભીતચિંત્ર હટશે કે નહીં?

શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં સાધુ સંતો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

Related Posts