OLXમાં એજન્ટ બની 22 લોકો સાથે છેતરપિંડી આચરનાર મહાઠગ સુરતથી ઝડપાયો

by Dhwani Modi
Fraudster who pretended to be an OLX agent was caught, News Inside

Surat|  OLX પરથી ઓનલાઈન ફોટા જોઈ કાર ખરીદનાર માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતની મહિધરપુરા પોલીસે એવો આરોપી ઝડપી પાડ્યો છે. જેણે અત્યાર સુધી 22થી વધુ લોકોને OLX પરથી કાર ઓછા ભાવે ખરીદી કરાવશે તેવી લાલચ આપી પોતે એજન્ટ હોવાનો ડોળ કરી કરોડો ઉઘરાવી નાસી છૂટ્યો હતો. અત્યાર સુધીમાં 22 જેટલા ગુના આચરી ચૂકેલો આ પીયુષ પટેલ ઝડપાઈ જતાં 9 જેટલા ગુજરાતના અલગ-અલગ પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

આજના સમયમાં લોકો શોર્ટકટમાં રૂપિયા કમાઈ લેવાની લાલચમાં લોકોને હેરાન પરેશાન કરી નાખે છે. તેવી જ એક ઘટના ફરી સામે આવી છે. ભણવામાં ખૂબ હોશિયાર પીયુષ પટેલે પોતાની આવડત લોકોને છેતરવામાં લગાડી દીધી. મહેસાણાના વીસનગરમાં પીયુષ મહેશ પટેલ પોતાના પરિવાર સાથે રહેતો હતો. એક દિવસ તેમના મગજમાં ખુરાફાતી તરકીબ સુજી અને તેણે સોશિયલ સાઈટ ખોલી અને OLX પર વેચવા માટે મુકેલી કારના માલિકોને મળ્યો હતો. ત્યાર બાદ તેમની કાર ઊંચા ભાવે વેચવાની લાલચ આપવા લાગ્યો હતો. પોતે એજન્ટ હોવાનો ડોળ ઉભો કર્યો હતો.

આવી રીતે લોકોને છેતર્યા
કહેવાય છે કે, લોભીનો માલ ધુતારા જ ખાય, તે પ્રકારે પીયુષે અલગ-અલગ શહેરમાં ઓટો ડીલરોના નંબર મેળવી ઓછા ભાવે કાર આપવાની લાલચની વાત કરતો ત્યાં પણ તે એજન્ટ હોવાનો ડોળ ઉભો કરતો હતો. આ દરમિયાન ઓટો ડીલરો પાસે એક શરત રાખતો હતો કે જો કાર ઓછા ભાવે જોઈએ તો માલિક સાથે રૂપિયાની કોઈ વાતચીત કરવી નહીં અને તે બધું જ સેટ કરી આપશે, તેવો વિશ્વાસ કેળવતો હતો. ત્યાર બાદ આંગણિયા મારફતે કારના રૂપિયા મેળવી લેતો હતો. આ સમગ્ર ઘટના અંગે કારના મૂળ માલિક અજાણ રહેતા હતા.

આવી રીતે પીયુષે ઓટો ડીલરો અને અન્ય લોકો મળી કુલ 22 જેટલા લોકોને આ લોભામણી સ્કીમનો ભોગ બનાવ્યા હતા અને એક કરોડથી વધુની છેતરપીંડી આચરી હતી. પીયુષ પટેલ વિરુદ્ધ અગાઉ 7 જેટલા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે પીયુષ પટેલ ઝડપાઇ જતાં અન્ય 9 પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો હતો. મહિધરપુરા પોલીસે આરોપી પીયુષને ઝડપી મોરબી ખાતે નોંધાયેલા ગુનાને પગલે આરોપીનો હવાલો મોરબી પોલીસને સોંપ્યો હતો.

 

Related Posts