Botad| સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાની નીચે બનેલી કણપીઠમાં કંડારવામાં આવેલા હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રોને મંદિર તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા બાદ હવે બોટાદ કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિ હટાવવામાં આવી છે.
વધતા વિવાદ વચ્ચે હટાવાઈ મૂર્તિ
મંદિર પરિસરમાં લગાવવામાં આવેલી નીલકંઠવર્ણીને ફળ અર્પણ કરતી હનુમાનજીની મૂર્તિને લઈ વધતા વિવાદ વચ્ચે કુંડળ સ્વામિનારાયણ મંદિરના વહીવટી તંત્ર દ્વારા આ મૂર્તિને હટાવવામાં આવી છે. કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં માત્ર નીલકંઠવર્ણીની મૂર્તિ જોવા મળી રહી છે.
હનુમાન ભક્તોમાં જોવા મળ્યો હતો વિરોધનો વંટોળ
બોટાદના કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં પાર્કિંગ પાસે બનાવાયેલા બગીચામાં હનુમાનજીની મૂર્તિ મુકાઈ હતી. જે મૂર્તિમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના નિલકંઠવર્ણીને ફળ અર્પણ કરતા દર્શાવાયા હતા. આ મૂર્તિને લઈને સનાતની સાધુ-સંતો, હિન્દુ સંગઠનો અને હનુમાન ભક્તોમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો હતો. ધર્મ ગુરુઓ અને હિન્દુ સંગઠનોએ આ મૂર્તિને હટાવવાની માંગ કરી હતી. તો કેટલાક સાધુએ તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
લંબે નારાયણ આશ્રમ ખાતે યોજાઈ હતી બેઠક
આ મુદ્દે સનાતની સાધુ-સંતો અને હિન્દુ સંગઠનોનો બેઠકો દોર શરૂ થઈ ગયો હતો. અમદાવાદ-સાણંદ હાઈવે પર આવેલા લંબે નારાયણ આશ્રમ ખાતે રવિવારે રાજ્યભરના સાધુ-સંતો એકઠા થયા હતા. લંબે નારાયણ આશ્રમ ખાતે ડૉ. જ્યોતિર્નાથ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સાધુ-સંતોની બેઠકમાં 13 જેટલા વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ કેટલાંક નિર્ણયો લીધા હતા. સાધુ-સંતો દ્વારા સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. સાધુ-સંતોએ નિર્ણય લીધો હતો કે તેઓ હવે સ્વામિનારાયણ મંદિર ખાતે જશે નહીં અને સાધુ સંતોની સાથે સ્ટેજ પર પણ બેસશે નહીં. સાધુ-સંતોએ સ્વામિનારાણ સંપ્રદાયના સંતોના કાર્યક્રમમાં ન જવાના શપથ લીધા હતા.
સાળંગપુર મંદિરમાંથી હટાવાયા ભીંતચિત્રો
વિવાદ વધતા સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ, પાંચ સામાજિક અગ્રણીઓ અને બે મંત્રી હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા કરી હતી. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણ સંતો, VHP તથા સાધુ-સંતો વચ્ચે બેઠક બાદ સુખદ નિરાકરણની જાહેરાત કરાઈ હતી અને આખરે મંદિર પરિસરમાંથી બંને વિવાદિત ચિત્રો દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલા સાળંગપુર મંદિરમાંથી ભીંતચિત્રો હટાવાયા હતા, ત્યારબાદ હવે કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી નીલકંઠવર્ણીને ફળ અર્પણ કરતી હનુમાનજીની મૂર્તિ હટાવવામાં આવી છે.