મહિલા સશક્તિકરણને લઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. મહિલા સશક્તિકરણ થકી મહિલાઓને પુરુષોની જેમ સમાજના દરેક હક, સન્માન તક અને જવાબદારી અપાવતુ સામાજિક અભિયાન અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા ડોડીસરા ગામમાં આવેલી ડેરીમાં સાકાર થતું દેખાય છે. આ ડેરીમાં તમામ પદો પર માત્ર મહિલાઓ જ કાર્યરત છે. આ ડેરીની કમાન મહિલાઓ જ સંભાળી તેને સફળતાની અલગ ઉંચાઈએ લઈ જઈ રહી છે.
ભિલોડા તાલુકાનું મોટા ડોડીસરા ગામ અંતરિયાળ વિસ્તારમાં ડુંગરોની વચમાં વસેલું ગામ છે. ગામમાં છુટાછવાયા અનેક ઘર છે આ ગામમાં મોટાભાગના લોકો આદિવાસી સમાજના છે. અહિના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. જેમાં પશુપાલન કરતા લોકોને દૂધ ભરાવવા દૂધ મંડળીના તમામ કર્મચારીઓ મહિલાઓ છે. સામાન્ય રીતે કોઈપણ દૂધ મંડળી કે સેવા મંડળીમાં મહિલા કર્મચારી જોવા મળતા નથી. જ્યારે ભિલોડાના ડોડીસરા ગામમાં 100% સ્ટાફ મહિલાઓનો છે.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા ડોડીસરા ગામમાં દૂધ મંડળી આવેલી છે. આ દૂધ મંડળીમાં 100% સ્ટાફ મહિલાઓનો છે. ડેરીમાં છેલ્લા 33 વર્ષથી જશોદાબેન નીનામા સેક્રેટરી તરીકેની ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત અન્ય ત્રણ મહિલાઓ પણ ટેસ્ટર, ચેરમેન અને મદદનીશ પદ પર શોભામાન છે. ડેરીની ચડતી પડતી સ્થિતિને તેઓ મક્કમ થઈને સંભાળી રહ્યા છે.
મોટા ડોડીસરાની દૂધ મંડળીમાં આસપાસના 6 થી વધુ ગામના લોકો દૂધ ભરાવા આવે છે. આ ડેરીમાં હાથીયા, નાના ડેડીસરા, ધંધાસણ અને રાયપુર સહિતના ગામના લોકો દૂધ ભરાવવા આવે છે. આ ડેરીમાં કુલ 109 જેટલા ગ્રાહકો દૂધ ભરાવવા આવે છે. આ ડેરીમાંથી લગભગ એક ટર્મમાં 300 લિટરથી વધુ દૂધ સાબરડેરીમાં ભરાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ડોડીસરાની દૂધ મંડળીની ઓફિસની સ્થિતિ હાલ દયનિય છે, છતાં અહીં કાર્યરત મહિલાઓ ડેરીની સંભાળ લઈ સારી રીતે કાર્ય કરી રહી છે.