આખરે ભીંતચિત્રોના વિવાદનો આવ્યો અંત! સૂર્યોદય પહેલા મંદિર પ્રશાસન દ્વારા હટાવી લેવાયા ભીંતચિત્રો

by Dhwani Modi
The controversial murals were removed, News Inside

સાળંગપુરનાં હનુમાનજી મંદિરના ભીંતચિત્ર વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. આજે વહેલી સવારે ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમાની નીચે કંડારવામાં આવેલા વિવાદિત ભીંતચિત્રોને હટાવી લેવામાં આવ્યા છે. નીલકંઠ વર્ણીને હનુમાનજી નમન કરતા હોવાના ચિત્રો દૂર કરવામાં આવ્યા છે. તેની જગ્યાએ હવે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નવા ચિત્રો લગાવવામાં આવ્યા છે.  મહત્વનું છે કે, ગતરોજ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક બાદ અમદાવાદમાં પણ તમામ સંતો-મહંતોની બેઠક યોજાઈ હતી. જે બેઠક બાદ લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા કહેવામાં આવ્યું હતું કે ‘સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સનાતન ધર્મનો ભાગ છે. જે ભીંતચિત્રો છે, તે આવતીકાલે સૂર્યોદય પહેલા હટાવી લેવામાં આવશે.’

CM સાથેની બેઠક બાદ અમદાવાદમાં યોજાઈ હતી બેઠક
સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદનો અંત આવ્યો છે. વિવાદિત ભીંતચિત્રો હનુમાનજીની મૂર્તિ નીચેથી દૂર કરવામાં આવ્યા છે. ગઈકાલે ગાંધીનગર ખાતે CM નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મળેલી બેઠક બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અમદાવાદમાં એક બેઠક મળી હતી. આ બેઠક બાદ સંતોએ પ્રેસ કોન્ફરન્સ કરી ભીંતચિત્રો હટાવવાની જાહેરાત કરી હતી.

ભીંતચિત્રોને લઈને સાધુ-સંતોમાં જોવા મળી રહ્યો હતો રોષ
સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. બાદમાં ભીંતચિત્રોના વિવાદ મામલે સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ, પાંચ સામાજિક અગ્રણીઓ અને બે મંત્રી હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા કરી હતી.

શિવાનંદ આશ્રમ ખાતે પણ યોજાઈ હતી બેઠક
ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણ સંતો, VHP તથા સાધુ-સંતો વચ્ચે બેઠક બાદ સુખદ નિરાકરણની જાહેરાત કરાઈ હતી અને આખરે મંદિર પરિસરમાંથી બંને વિવાદિત ચિત્રો દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Related Posts