શું કોઈ માતા તેના નાજાયસ સંબંધોને છુપાવવા માટે પોતાના જિગરના ટુકડાને મારી શકે? કળયુગી માતાનું ભલું પૂછવું તે તો મારી પણ શકે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પણ આવી એક હૃદય કંપાવનારી ઘટના બની છે. જેમાં એક માતાએ પોતાના સગા નાનકડા દીકરાને ફક્ત એટલા માટે મારી નાખ્યો કે તે છોકરો પોતાની માતાને તેના પ્રેમી સાથે વાંધાજનક હાલતમાં જોઈ ગયો હતો.
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં લફરાબાજ માતાએ સગા દીકરાને છત પરથી ફેંક્યો
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક માતાએ તેના પ્રેમી સાથે મળીને 3 વર્ષના પોતાના પુત્ર જતીન રાઠોડને છત પરથી ફેંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્રણ વર્ષના માસુમ સની ઉર્ફે જતીન રાઠોડને શું ખબર કે તે 9 મહિના જેના પેટમાં રહ્યો છે તે માતા તેના જીવનની દુશ્મન બની જશે. ગ્વાલિયર જિલ્લાના પોલીસ કોન્સ્ટેબલ ધ્યાન સિંહની પત્ની જ્યોતિ રાઠોડને તેના પાડોશી ઉદય ઈંડૌલિયા સાથે લગ્નેત્તર સંબંધો હતા. 28 એપ્રિલના રોજ તેમણે પોતાના ત્રણ વર્ષના પુત્રને પોતાના ઘરની છત પરથી નીચે ફેંકી દીધો હતો જેહિ તેનું મોત નીપજ્યું હતું. આ નિર્દોષનો દોષ એટલો જ હતો કે તેણે તેની માતાને તેના પ્રેમીના બાહુપાશમાં જોઈ લીધી હતી. આથી જ્યોતિને લાગ્યું કે તેનો પુત્ર તેના પ્રેમ સંબંધ વિશે તેના પતિને બધું જ કહી દેશે. આ વાતથી ગભરાઈને તેણે સની ઉર્ફે જતીનને બીજા માળેથી નીચે ફેંકી દીધો હતો. બે માળેથી પડી જવાથી બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આથી તેનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
પગ લપસતાં પુત્રનું મોત થયું હશે-પોલીસ કોન્સ્ટેબલ ભ્રમમાં રહ્યાં
પરિવારના સભ્યો અને પોલીસ કોન્સ્ટેબલ ધ્યાનસિંહ તો એવું માની રહ્યા હતા કે તેમનો પુત્ર અજાણતાં પગ લપસી જવાને કારણે નીચે પડી ગયો હશે અને તેનું મોત નીપજ્યું હતું. પરંતુ થોડા દિવસ બાદ આખરે જ્યોતિએ પોતાના પતિ સામે પોતાનું પાપ કબૂલ કરી લીધું હતું. પતિએ બધું સહન કર્યું અને તેનો ઓડિયો અને વીડિયો રેકોર્ડ કર્યો. ત્યારબાદ અરજી સાથે પુરાવા થથીપુર પોલીસને સોંપ્યા હતા. આ અંગે કાર્યવાહી કરતાં પોલીસે તે સમયે જ્યોતિ રાઠોડની ધરપકડ કરી હતી. હવે તેના બોયફ્રેન્ડ ઉદય ઈંડૌલિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. ઘટના સમયે ઉદય પણ છત પર હાજર હતો.
28 એપ્રિલે શું બન્યું
28 એપ્રિલના રોજ પોલીસ કોન્સ્ટેબલ ધ્યાનસિંહે તેની પત્ની જ્યોતિના કહેવાતા પ્રેમી ઉદય ઈંડૌલિયા સહિત બીજા લોકોને પ્લાસ્ટિકની દુકાનના ઉદ્ઘાટનના આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન જ્યોતિ અને ઉદય બધાની નજરથી બચાવવા માટે ધાબા પર ગયા. આ દરમિયાન નિર્દોષ સની ઉર્ફે જતીન પણ ધાબા પર તેની માતાની પાછળ પહોંચી ગયો હતો, જેને જોઈને તેની માતા ગભરાઈ ગઈ હતી અને બીક લાગતાં તેણે અને ઉદયે નાનાકડા સનીને છત પરથી ફેંકી દીધો હતો અને તેથી તેનું મોત થયું હતું.