AMC election| ભાજપમાં (BJP) ક્યારેય કોઈની ખુરશી કાયમી હોતી નથી. તમને ખબર પણ ન પડે અને ખુરશીના પાયા ખેંચી લેવાય છે. આવી જ સ્થિતિ મનપાની ચૂંટણીમાં સર્જાય તો નવાઈ નહીં. લોકસભા પહેલાં મનપાની ચૂંટણીમાં ભાજપે ‘નો રીપિટ થિયરી’ અપનાવતાં કહી ખુશી કહીં ગમ જેવો માહોલ છે. ભાજપમાં વર્ષોથી દબદબો ધરાવનાર નેતાઓને ઘરભેગા તો નવા નિશાળીયા માટે લોટરી લાગી તેવી તક છે.
રાજકારણમાં કાયમી ધોરણે કઈ હોતું નથી અને તેમાં પણ જો વાત ભાજપની હોય તો ભાજપ માટે ચૂંટણીનો જંગ હોય તો અનેક રણનીતિ અપનાવવામાં આવે છે. જો કે છેલ્લા કેટલાંક વર્ષથી ગુજરાત માં ‘નો રિપીટ થિયરી’ (No Repeat Theory) અમલમાં છે એ ચૂંટણીની વાત હોય કે સંગઠનની વાત હોય કે પછી નવા મંત્રીમંડળની વાત હોય. પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલે કમાન સંભાળી ત્યારથી નવા ચહેરાઓ ને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
ગુજરાતની સૌથી મોટી મનપા ગણાતી અમદાવાદમાં 8 હજાર કરોડનો વહીવટ હવે અમિત શાહના ખાસ વ્યક્તિ ગણાતા હિતેશ બારોટ પાસેથી જાય તેવી પૂરી સંભાવના છે. AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહેલા હિતેશ બારોટ નો રીપિટ થિયરીનો ભોગ બની ગયા છે. તેઓ રીપિટ થાય તેવી પૂરી સંભાવના હતી પણ ભાજપ સંગઠને તેમનું પત્તું કાપી નાખ્યું છે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી માટે ભાજપે 15 નામોની યાદી જાહેર કરી છે.
12 સભ્યો માટે ભાજપે 15 નામ જાહેર કર્યા છે. યાદી મુજબના તમામ 15 કોર્પોરેટરે ફોર્મ ભર્યા છે. શહેર ભાજપ પ્રમુખ , AMC ભાજપ પ્રભારી સહિત અન્ય AMC ની અન્ય કમિટીઓના ચેરમેન- ડેપ્યુટી ચેરમેન પણ આ સમયે ઉપસ્થિત રહ્યાં હતા. 15 સભ્યોની યાદીમાં જતીન પટેલ , પ્રિતિશ મહેતા અને દેવાંગ દાણી સહિતના કોર્પોરેટર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પ્રબળ દાવેદાર ગણાય છે. તેમાં પણ હાલના તબક્કે જતીન પટેલ ચેરમેન તરીકે હોદ્દો મેળવવા રેસમાં સૌથી આગળ છે. આગામી 11 સપ્ટેમ્બરે મળનારી સામાન્ય સભામાં 15 પૈકી 12 સભ્યોની સ્ટેન્ડિંગ કમિટી સભ્યો તરીકે નિમણુંક થશે. 12 નામ ફાઇનલ થયા બાદ તેમાંથી ચેરમેન પદનું સસ્પેન્સ દૂર થશે. 11 સપ્ટેમ્બરે જ મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા અને દંડકની પણ વરણી થશે.
ભાજપ (BJP) અધ્યક્ષ સી આર પાટિલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં નો રિપિટ થીયરીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘બીજી ટર્મના મેયર, ડેપ્યુટી મેયર, પ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારો માટે પણ ભાજપ નો રિપિટ થિયરી અપનાવશે. પાલિકા પંચાયતોમાં હોદ્દો ભોગવ્યો હોય તેમને ફરી તક મળશે નહી. અમે 90 ટકા બેઠકો જીત્યા છીએ એટલે નવા ચહેરાને તક આપવાનો પ્રયત્ન થશે. રોટેશનથી ફાળવાયેલા હોદ્દામાં સામાન્ય ઉમેદવારને તક આપીશું. જેને પગલે અમદાવાદ મનપાના પણ સમીકરણો બદલાઈ ગયા છે. હવે મેયરની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ નવા હશે. હિતેશ બારોટની નવ વિર્વાદિત કામગીરી છતાં ભાજપે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રીપિટ ન કરવાનો નિર્ણય લીધો છે.’