બાળકને કૂતરું કરડતા ડરના મારે ઘરમાં જણાવ્યું જ નહિ, તબિયત લથડતા પિતાના ખોળામાં જ દમ તોડ્યો

by Dhwani Modi
boy died due to rabies in Uttar Pradesh, News Inside

Uttar Pradesh|  હડકવા એક એવી બીમારી છે જેનો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો માણસ કોમામાં જઈ શકે છે કે તેનું તડપી તડપીને મોત થઈ શકે છે. આ મોત ખુબ જ દર્દનાક હોય છે. મંગળવારે યુપીના ગાઝિયાબાદમાં હડકવાનો આવો જ એક મામલો સામે આવ્યો. જ્યાં 15 વર્ષના છોકરાનું તરફડીને મોત નિપજ્યું. આ મામલામાં કોની ભૂલ એ મોટો સવાલ ઉઠી રહ્યો છે.

આ મામલો વિજયનગર પોલીસ મથક હદની ચરણસિંહ કોલોનીનો છે. અહીં લગભગ 5 દિવસ પહેલા સાવેજ નામના બાળકમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા. તે હવા પાણીથી ડરવા લાગ્યો હતો અને અંધારામાં રહેતો હતો. છોકરાની હાલત ખરાબ જણાતા પરિજનો તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ દાખલ કરવાની ના પાડી દીધી. સાવેજને યોગ્ય સારવાર ન મળી અને તેનું મોત નિપજ્યું.

હકીકતમાં યાકુબના પુત્ર સાવેજને લગભગ એક મહિના પહેલા ગલીના જ એક કૂતરાએ બચકું ભર્યું હતું. પણ બાળકે ડરના માર્યા કોઈને આ વાત ઘરમાં જણાવી નહીં. પણ 5 દિવસ પહેલા જ તેના શરીરમાં અજીબ ફેરફાર જોવા મળવા લાગ્યા. તેના મોઢામાંથી લાળ ટપકી રહેતી અને તે પાણી પીવાથી પણ ડરતો હતો. ચહેરો પણ વિચિત્ર થઈ ગયો હતો.

ત્યારે ઘરના લોકોને ચિંતા થવા લાગી પરંતુ તેઓ કશું સમજી શક્યા નહીં. ચોંકાવનારી વાત તો એ છે કે, ઘરવાળાઓએ આવી સ્થિતિ જોતા પણ બાળકની ક્યાંય તપાસ કરાવી નહીં. ત્યારબાદ બાળકે જ્યારે ઘરમાં જણાવ્યું કે તેને એક મહિના પહેલા કૂતરું કરડ્યું હતું ત્યારે ઘરવાળા તેને લઈને હોસ્પિટલ દોડ્યા. પરંતુ ત્યાં સુધીમાં તો માસૂમ બાળકની તબિયત વધુ બગડી ચૂકી હતી હતી.

ડોક્ટરોએ જ્યારે ચેક કર્યું તો કૂતરાના કરડવાના કારણે હડકવાના લક્ષણોની પુષ્ટિ થઈ હતી. તેની અંદર બીમારીનું ઈન્ફેક્શન ખુબ વધી ગયું હતું. સાવેજના પરિજનોના જણાવ્યાં મુજબ ડોક્ટરોએ સારવાર કરવાની જગ્યાએ હાથ ઊંચા કરી દીધા. કોઈ પણ  હોસ્પિટલે તે બાળકને દાખલ કરવાની તસદી લીધી નહીં. સાવેજ સતત તડપી રહ્યો હતો. પરિજનો પણ રડી રડીને અધમૂઆ થઈ ગયા હતા. આમ તેમ બાળકની સારવાર માટે દોડી રહ્યા હતા. સાવેજનો પરિવાર સારવાર માટે 3 દિવસ સુધી એમ્બ્યુલન્સમાં જ ભટકતો રહ્યો.

દિલ્હીની તમામ મોટી હોસ્પિટલોમાં સાવેજને લઈને ગયા. ગાઝિયાબાદમાં દાખલ કરવાની કવાયતમાં લાગેલા પરિજનો પાસેથી મળેલી માહિતી મુજબ 10,000 જેટલા રૂપિયા તો ફક્ત ગાડીના  ભાડામાં જ ખર્ચાઈ ગયા આમ છતાં બાળકને કોઈ હોસ્પિટલમાં દાખલ કરાયો નહીં. બાળકનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે એમ્બ્યુલન્સમાં બેઠેલો જોઈ શકાય છે. જે રીતે તેના શ્વાસ ફૂલે છે અને બાળકને પકડી રખાયો છે તે જોઈને ગમે તેવા કઠણ કાળજાની વ્યક્તિની આંખોમાં પણ આંસુ આવી જાય. જ્યારે ડોક્ટરે સારવાર કરવામાં અસર્થતા દર્શાવીને બીમારીની કોઈ સારવાર નથી એવું કહી દીધુ ત્યારે માસૂમના પિતાનું હૈયાફાટ રૂદન કોઈને પણ હચમચાવી જાય.

Related Posts