રાજકોટના યુવાનોમાં હાર્ટ એટેકના બનાવમાં વધારો ચિંતાનો વિષય: 24 કલાકમાં ત્રણ પરિવારોએ જુવાનજોધ સંતાનો ગુમાવ્યા

by Dhwani Modi
3 youth died due to heart attack in Rajkot, News Inside

Heart Attack|  રાજકોટમાં હાર્ટ એટેક હાહાકાર મચાવી રહ્યો છે. સમગ્ર ગુજરાત સહીત રાજકોટમાં પણ હાર્ટ એટેકનો ખૌફ વ્યાપી ગયો છે. છેલ્લાં 24 કલાકમાં રાજકોટમાં હૃદય રોગના હુમલાથી ત્રણ લોકોના મોત થયા છે. ચિંતાની બાબત એ છે કે, આ ત્રણેય મૃત્યુ પામનાર લોકો જુવાનજોધ હતા. છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી બે યુવકો અને એક યુવતીનું મોત નિપજ્યું છે. જેમાં બે બનાવો તો જેતપુર તાલુકાના છે. ગઈકાલે જેતપુરના મેળામાં ચકડોળમાં બેસેલી યુવતીને દુખાવો ઉપડ્યો હતો. નીચે ઉતરતા જ તેનું મોત નિપજ્યુ હતું. મૃતક યુવતીની થોડા સમય પહેલા જ સગાઇ થઇ હતી. જેથી તે તેના સાસરીયા પક્ષ સાથે મેળામાં આવી હતી જ્યાં આ દુર્ઘટના બની હતી.

જન્માષ્ટમીની તૈયારીઓ કરતા યુવકને હાર્ટ એટેક આવ્યો 
રાજકોટમાં જન્માષ્ટમીનાં કાર્યક્રમમાં હાર્ટ એટેક આવતા યુવકનું મોત નિપજ્યું હતું. 25 વર્ષીય જતીન સરવૈયા નામના યુવકનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ પાસે વીર હનુમાનજી ચોક પાસે આ બનાવ બન્યો હતો. જન્માષ્ટમીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જતીનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. જતીન સરવૈયા (ઉ.વ.25) ના  મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

જેતપુરમાં યુવકનું મોત 
જેતપુરમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. જેતપુરમાં યુવાનોમાં હાર્ટ એટેકના બનાવ વધતા ચિંતા વ્યાપી ગઈ છે. જેતપુરના પંચવટી વિસ્તારમાં રહેતા યુવાનને તેના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. વિજય મેઘનાર્થી નામના 26 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. યુવાનને હાર્ટ એટેક આવતા હોસ્પિટલ લવાતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. જેથી મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો.

મોડી સાંજે જેતપુરમાં યુવતીને આવ્યો હાર્ટએટેક 
જેતપુર તાલુકામાં સવારે એક યુવકને તો સાંજે એક યુવતીને હાર્ટ એટેકથી મોત આવ્યું હતું. જેતપુરનો લોક મેળો માણવા આવેલી યુવતીનું હાર્ટ અટેકેથી મોત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ચકડોળમાંથી નીચે ઉતર્યા બાદ યુવતીને ચક્કર આવ્યા હતા. ચકડોળમાં બેઠા સમયે યુવતીને નીચે ઉતર્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં બલળથ બારવાળા ગામની અંજનાબેન ભુપત ગોંડલીયા નામની 26 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું છે. યુવતીને હોસ્પિટલ ખસેડતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી. મૃતક યુવતીની થોડા સમય પહેલા જ સગાઇ થઇ હતી. જેથી તે તેના સાસરીયા પક્ષ સાથે મેળામાં આવી હતી અને આ દુર્ઘટના બની.

આમ, રાજકોટમાં જન્માષ્ટમીનો ઉત્સવ ક્યાંક ઉજવણીનો તો ક્યાંક શોકનો બની રહ્યો, ત્રણ પરિવારોએ પોતાના જુવાનજોધ સંતાનો ગુમાવ્યા છે. હાર્ટએટેક જેવી બીમારી હવે યુવાઓના જીવ ભરખી રહી છે.

Related Posts