Surat| સુરતમાં સાપ કરડતા એક 27 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પત્ની સાથે શાકભાજી લેવા ગયેલો યુવક શૌચ માટે ઝાડીમાં ગયો હતો. દરમિયાન સાપ કરડી જતાં હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. યુવકના મોતના પગલે ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશ નગરમાં રહેતા મૂળ ઉત્તપ્રદેશનો 27 વર્ષીય મોહમદ કલીમ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતા, પત્ની અને ત્રણ દીકરીઓ છે. કલિમ પાંડેસરામાં જ આવેલી ડાયિંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગતરોજ ડિંડોલી ખાતે પત્ની સાથે શાકભાજી લેવા ગયો હતો. શાકભાજી લેવા જતા સમયે રસ્તામાં કલીમને શૌચ લાગતા પત્નીને રસ્તા પર બેસાડી દીધી હતી અને કલીમ ઝાડી ઝાંખરામાં શૌચ માટે ગયો હતો. જ્યાં સાપ પગમાં વીંટળાઇ ગયો હતો અને પગમાં કરડી ગયો હતો.
ત્યાંથી બહાર નીકળી પત્ની પાસે પહોંચતા બેભાન થઈ ગયો હતો. જેથી પત્ની અને અન્ય લોકો દ્વારા કલીમને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સાપ કરડતાં સિવિલ ખસેડાયેલા યુવકને દાખલ કરી દેવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું.
યુવકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. પત્નીના હૈયાફાટ રુદનના પગલે સિવિલ હોસ્પિટલ કેમ્પસ ગમગીન થઈ ગયું હતું. જ્યારે ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.