G20 સમિટમાં દેખાઈ ભારતની સાંસ્કૃતિક ધરોહર રૂપી નટરાજની પ્રતિમા, કોણાર્ક ચક્ર અને યોગ મુદ્રાઓની ઝલક

by Dhwani Modi
G20 summit in Delhi, News Inside

આજે G20 સમિટનો પ્રથમ દિવસ છે. આ કોન્ફરન્સમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત અનેક મોટા દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓએ પ્રગતિ મેદાનના ભારત મંડપમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. G20 ઇવેન્ટના ભારત મંડપમ કે જ્યાં વૈશ્વિક નેતાઓ એકત્ર થયા છે તેને યોગ, કોણાર્ક ચક્ર અને નટરાજની પ્રતિમાઓથી શણગારવામાં આવ્યું છે. જે ભારતીય કલા અને સંસ્કૃતિના પ્રતીકો છે.

ભારત મંડપમમાં સુશોભિત કોણાર્ક ચક્ર
દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ચાલી રહેલી G20 સમિટમાં હાજર રહેલા વિશ્વના નેતાઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત હેન્ડશેક દરમિયાન ‘સર્કલ ઑફ લાઇફ’ દર્શાવતી કોણાર્ક વ્હીલની પ્રતિકૃતિ પૃષ્ઠભૂમિમાં જોવા મળી હતી. ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના સભ્ય સચિવ સચ્ચિદાનંદ જોશીએ જણાવ્યું હતું કે, કોણાર્ક વ્હીલની પ્રતિકૃતિ સર્કલ ઓફ લાઈફનું પ્રતિનિધિત્વ કરે છે. આ ચક્ર સૂર્ય ભગવાનને સમર્પિત છે. તે પ્રકૃતિ અને સૂર્ય પ્રત્યેના આપણા ઊંડા આદરનું પ્રતીક પણ છે.

કોણાર્ક ચક્રનું બાંધકામ
કોણાર્ક ચક્રને 13મી સદી દરમિયાન રાજા નરસિંહદેવ-1ના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. 24 સ્પોક્સ સાથેનું વ્હીલ ભારતના પ્રાચીન જ્ઞાન, અદ્યતન સંસ્કૃતિ અને સ્થાપત્ય શ્રેષ્ઠતાનું પ્રતીક છે. તેનું પ્રતિબિંબ રાષ્ટ્રધ્વજમાં પણ જોઈ શકાય છે. તે લોકશાહીના ચક્રના શક્તિશાળી પ્રતીક તરીકે સેવા આપે છે, જે લોકશાહી આદર્શોની સ્થિતિસ્થાપકતા અને સમાજમાં પ્રગતિ માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

નટરાજની પ્રતિમાની વિશેષતા
ભારત મંડપમમાં કન્વેન્શન હોલના પ્રવેશદ્વાર પર 28 ફૂટ ઊંચી નટરાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમા ભગવાન શિવને ‘નૃત્યના ભગવાન’ અને તેમની સર્જન અને વિનાશની વૈશ્વિક શક્તિનું પ્રતીક છે. આ 19 ટનની પ્રતિમા તમિલનાડુના સ્વામીમાલાઈના એસ. દેવસેનાથીપતિ સ્તપતિના પુત્રો દ્વારા બનાવવામાં આવી છે. આ મૂર્તિ બનાવવા માટે પરંપરાગત ચોલા હસ્તકલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રતિમા આઠ ધાતુની બનેલી છે. લગભગ 82 ટકા તાંબાનો ઉપયોગ થયો છે અને 15 ટકા બ્રોન્ઝ અને 3 ટકા સીસું, બાકીનું સોનું, ચાંદી, ટીન અને થોડી માત્રામાં પારો વપરાયું છે.

નટરાજની મૂર્તિ સ્થાપિત કરવા પાછળ શું કારણ?
ભારત મંડપમમાં નટરાજની મૂર્તિ સ્થાપિત કરવા પાછળ ધાર્મિક અને ઐતિહાસિક કારણ છે. નટરાજનું આ સ્વરૂપ શિવના આનંદ તાંડવનું પ્રતિક છે. જો તમે શિવ નટરાજની પ્રતિમાને ધ્યાનથી જોવા પર ભગવાન શિવની નૃત્યની મુદ્રા સ્પષ્ટપણે જોવા મળશે. સાથે જ એમને રાક્ષસને એક પગે દબાવ્યો છે. આવી સ્થિતિમાં શિવનું આ સ્વરૂપ નૃત્ય દ્વારા અનિષ્ટનો નાશ કરવાનો અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવાનો સંદેશ આપે છે.

ભારત મંડપમમાં પણ યોગ કળા પ્રદર્શિત કરવામાં આવી 
નટરાજ અને કોણાર્ક ચક્ર ઉપરાંત યોગ મુદ્રાની પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. ‘યોગ’ એ વિશ્વને ભારતીય સભ્યતાની ભેટ છે. કહેવાય છે કે, યોગે સમગ્ર વિશ્વને એક કરવાનું કામ કર્યું છે. એટલું જ નહીં, આ દરમિયાન હોલમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીની વિવિધ કળાઓ અને પ્રતિકોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

Related Posts