ચોર પણ નસીબ લઈને ચોરી કરવા નીકળ્યો, તોતિંગ ટ્રેક્ટરનું પૈડું ફરી ગયું તો પણ બચી ગયો

by Dhwani Modi
The tractor wheel turned on the thief in Aravalli, News Inside

Aravalli|  ગુજરાતમાં હવે ચોરીના બનાવ એટલા વધી રહ્યા છે કે ચોરીના વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. તેવામાં અરવલ્લીમાં એક ચોરનો વીડિયો હાલ ચર્ચા જગાવી રહ્યો છે. આ ચોર જાણે અંબાણીની જેમ ચમકતું નસીબ લઈને આવ્યો હોય તેવી ઘટના બની છે. શો રૂમની બહાર ટ્રેક્ટરની ચોરી કરવા આવેલ ચોર જ ટ્રેક્ટરના તોતિંગ ટાયર નીચે દબાયો હતો. છતાં તે બચી ગયો હતો. આખી ઘટના વીડિયોમાં કેદ થઈ છે.

અરવલ્લીના મોડાસાના માઝૂમ બ્રિજ પાસે ટ્રેક્ટરના શોરૂમની આ ઘટના છે. મોડાસાના હજીરા વિસ્તારમાં આવેલ એક ટ્રેક્ટરના શો-રૂમમાં બે ચોર ચોરી કરવા આવ્યા હતા. જન્માષ્ટમીનો તહેવાર હતો, અને રજાનો માહોલ હતો. આવામાં રાતના અંધારામાં એક શખ્સ ટ્રેક્ટર ચોરી કરવા આવ્યા હતા. જેમાં ચોરે ટ્રેક્ટર ચાલુ કર્યુ હતું. પરંતું ટ્રેક્ટરને ચાલુ કરવાના પ્રયાસમાં અચાનક ટ્રેક્ટર ચાલુ થઈ ગયું હતું અને શખ્સ પર ટાયર ફરી વળ્યું હતું.

આખેઆખું પૈડું યુવકની છાતી અને મોઢા પરથી ફરી વળ્યુ હતું. છતાં શખ્સ બચી ગયો હતો. તેને કંઈ થયુ ન હતું. તેણે હાર ન માની અને લંગડતો લંગડતો ફરી ઉભો થયો હતો. તેણે ટ્રેક્ટર સુધી પહોંચવા લંગડાતા પગે દોડ લગાવી હતી. તેણે ચાલુ ટ્રેક્ટરને કાબૂમાં કર્યુ હતું અને તેમાં બેસવાનો પ્રયાસ કર્યો હતો. આખરે તે સફળ થયો અને ટ્રેક્ટર ચોરીને ભાગી ગયો હતો.

સમગ્ર ઘટનાના CCTV ફુટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઘટના 4 સપ્ટેમ્બરની છે. હજીરા વિસ્તારમાં આવેલા આદર્શ ટ્રેક્ટરના શો-રૂમના માલિક પ્રહલાદભાઇ ધનજીભાઇ પટેલે નેત્રમ શાખામાં ટ્રેક્ટરની ચોરી અંગેની ફરિયાદ આપી હતી. તેમના શોરૂમમાં લગાવેલા CCTV કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી.

સમગ્ર મામલે અરવલ્લી પોલીસે તપાસ કરી હતી, જેમાં કોઈ શંકાસ્પદ ઈસમ ફરિયાદીનું ટ્રેક્ટર લઈ જતો કેમેરામાં કેદ થયો હતો. જે ઈસમ ટ્રેક્ટર લઈ હજીરાથી શામળાજી તરફ ગયો હતો અને ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં ઇસરોલ ગામ પાસેથી બિનવારસી હાલતમાં ટ્રેક્ટર સહીસલામત મળી આવ્યું હતું.

Related Posts