‘ભારત દેશ UNSCનો કાયમી સભ્ય બને તો અમારા દેશને ગર્વ થશે’: તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન

તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના આ નિવેદન બાદ પાકિસ્તાનને મરચાં લાગશે, કહ્યું 'ભારત દેશ UNSCનો કાયમી સભ્ય બને તો અમારા દેશને ગર્વ થશે'

by Dhwani Modi
turkey president Recep Tayyip Erdogan in G20 summit in Delhi, News Inside

New Delhi| ભારતમાં G20 સમિટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ આયોજિત આ સમિટમાં વિશ્વભરના દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો હતો. G20 સમિટનું ભવ્ય આયોજન કરીને ભારતે આખી દુનિયાને બતાવ્યું કે ભવિષ્ય આપણું છે. આ જ કારણ છે કે આ સમિટ બાદ ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી સભ્યપદ આપવાની માંગ ઉઠવા લાગી છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના સભ્ય બનવાની તક મળવી જોઈએ
G20 સમિટના છેલ્લા દિવસે રવિવારે તુર્કીયેના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોગને કહ્યું કે, જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નો કાયમી સભ્ય બને તો તેમના દેશને ગર્વ થશે. મીડિયા બ્રીફિંગમાં આ સવાલનો જવાબ આપતા એર્દોગને કહ્યું કે, ‘તમામ બિન-P5 સભ્યોને એક પછી એક એમ સુરક્ષા પરિષદના સભ્ય બનવાની તક મળવી જોઈએ.’

UNSCના પાંચ સ્થાયી સભ્યો કરતાં દુનિયા ઘણી મોટી છે
P5 અથવા સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યો ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાનો ઉલ્લેખ કરતા તુર્કીયેના રાષ્ટ્રપતિએ કહ્યું કે, દુનિયા પાંચથી ઘણી મોટી છે. તેમણે કહ્યું કે, જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બને તો અમને ગર્વ થશે. એર્દોગને પીએમ મોદી સાથે વેપાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધોને મજબૂત કરવા અંગે પણ ચર્ચા કરી હતી. એર્દોગને બંને દેશો વચ્ચે સહકારની વિશાળ સંભાવનાઓનો લાભ લેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

15 અસ્થાયી સભ્યો સ્થાયી બનાવવાના પક્ષમાં છે એર્દોગન
તુર્કીયેના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘ભારત દક્ષિણ એશિયામાં અમારું સૌથી મોટું વેપારી ભાગીદાર છે અને અમે આ વર્ષની શરૂઆતમાં તુર્કીયેમાં યોજાયેલી ચૂંટણી પછી મુખ્યત્વે અર્થતંત્ર અને અન્ય ઘણા ક્ષેત્રોમાં સહકારની વિશાળ સંભાવનાનો ઉપયોગ કરી શકીશું.’ એર્દોગને કહ્યું કે, તે ગર્વની વાત છે કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભૂમિકા ભજવી રહ્યું છે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાંચ સ્થાયી અને 15 અસ્થાયી સભ્યો સ્થાયી બનાવવાના પક્ષમાં છે. એર્દોગને કહ્યું, ‘તે 20 (5+15) સભ્યો એક પછી એક એમ વારાફરતી UNSCના સ્થાયી સભ્યો હોવા જોઈએ.’

આ નિવેદન બાદ પાકિસ્તાનને થઇ શકે બળાપો
રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના આ નિવેદનથી પાકિસ્તાન ચિંતામાં મુકાઇ શકે છે. કારણ કે તુર્કીયે અત્યાર સુધી પાકિસ્તાનનું સમર્થન કરતું હતું. તુર્કીયે સરકાર આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરી રહી છે. રાષ્ટ્રપ્રમુખ એર્દોગને પોતે ઘણી વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો છે. જો કે દર વખતે ભારતે તેની બોલતી બંધ કરી દીધી હતી.

આવી સ્થિતિમાં તુર્કીયેનું UNSCમાં ભારતના કાયમી સભ્યપદ માટે સમર્થનને તેની વિદેશ નીતિનો મજબૂત મુદ્દો માનવામાં આવી રહ્યો છે. ભારત અને તુર્કીયેના વધતા મજબૂત સંબંધોને જોઈને પાકિસ્તાનને મરચાં લાગી શકે છે.

Related Posts