યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને લઈને અગત્યના સમાચાર, 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

by Dhwani Modi
darshan timings are change in Ambaji temple, NewsInside

Ambaji, Banaskantha| યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાતો હોય છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં માઈભક્તો પગપાળા અંબાજી મંદિર ખાતે પહોંચતા હોય છે. ત્યારે અંબાજીના ભાદરવી પૂનમના મેળાને લઇ મોટી જાહેરાત કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

મંદિરના ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાદરવા સુદ આઠમ તા.23-09-2023થી લઈને ભાદરવા સુદ પૂનમ તા.29-09-2023 સુધી અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ અંબાજી મંદિરમાં સવારના 6 વાગ્યે આરતી થશે અને સવારના 6.30થી લઈને 11.30 વાગ્યા સુધી દર્શન થશે. જે બાદ બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે.

રાતના 12 વાગ્યા સુધી ભક્તો કરી શકશે દર્શન
બપોરના 12.30 વાગ્યાથી લઈને સાંજના 5.00 વાગ્યા સુધી ભક્તો માટે દર્શન ચાલું રહેશે. સાંજની આરતી 7 વાગ્યે થશે અને 7.30 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી દર્શન માટે મંદિરના કપાટ ખુલ્લા રહેશે.

ભાદરવી પૂનમના મહામેળાને લઈને તૈયારીઓ શરૂ
આપને જણાવી દઈએ કે, યાત્રાધામ અંબાજીના મહામેળાને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વાત જાણે એમ છે કે, આ મહિનામાં એટલે કે 23થી 29 સપ્ટેમ્બર સુધી પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે. ત્યારે તંત્ર દ્વારા તાજેતરમાં જ ગબ્બર પર્વત પર પગથિયા રિપેરિંગનું કામ કરાવવામાં આવ્યું છે. ગબ્બર ચઢવાનો એક-એક રસ્તો ક્રમશ 4-4 એટલે કે 8 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યો હતો. 1થી 4 સપ્ટેમ્બર સુધી ગબ્બર ચઢવાનો રસ્તો બંધ રાખયો હતો. જેથી બીજો રસ્તો ચઢવા અને ઉતરવા માટે ચાલું હતો. જે બાદમાં 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન બીજો રસ્તો બંધ રાખવામાં આવ્યો હતો.

Related Posts