મોટી દુર્ઘટના ટળી, સુરેન્દ્રનગરના લોકમેળામાં મોતના કુવામાં ચાલુ સ્ટંટમાં ટાયર નીકળી જતા કાર નીચે પટકાઈ

by Dhwani Modi
Stunt gone wrong in Surendranagar, News Inside

Surendranagar|  જન્માષ્ટમીનો પર્વ હોઈ સૌરાષ્ટ્રભરમાં લોકમેળાની રમઝટ જામી હતી. જ્યાં વિવિધ પ્રકારની રાઈડ્સમાં એક અઠવાડિયા સુધી લોકોએ આનંદ માણ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગરના લોકમેળામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મોતના કુવામાં સ્ટંટ કરી રહેલી કારના ટાયર નીકળી ગયા હતા, જેથી કાર સ્ટંટ દરમિયાન નીચે પટકાઈ હતી. આ ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના લોકમેળામાં મોતના કૂવાના ખેલમાં છેલ્લા દિવસે અકસ્માત સર્જાયો હતો. મોતના કુવામાં 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કારના ટાયર નીકળી ગયા હતા. મોતના કૂવામાં સ્ટંટ કરવું કાર ચાલકને મોંઘું પડ્યું હતું. સ્ટંટ કરતી વખતે ટાયર નીકળી જતા ચાલુ કાર નીચે પટકાઈ હતી. જેથી મોતનો ખેલ જોવા આવનારા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. જોકે, અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ ઘટનાને લઈને લોકમેળાના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે આ ઘટના અનેક સવાલો પેદા કરે છે. જેમ કે, પ્રશાસન વિભાગ દ્વારા મેળામાં આપવામાં આવતા ફિટનેસ સર્ટી પર સવાલો ઉભા થયા છે. તેમજ મોતના કૂવામાં વીમા અને પર્સિંગ કાર છે કે કેમ તેવા અનેક સવાલો ઉઠ્યા છે.

Related Posts