મહારાષ્ટ્રના થાણેમાં સર્જાઈ હોતી દુર્ઘટના, 40 માળની નિર્માણાધીન બિલ્ડીંગની લિફ્ટ તૂટી પડતાં 7 શ્રમિકોના કરુણ મોત

by Dhwani Modi
7 people died in Maharashtra due to lift collapsed, News Inside

Maharashtra| મહારાષ્ટ્રમાં ભયાનક લિફ્ટ દુર્ઘટના ઘટી છે, જેમાં 7 શ્રમિકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. આ દુર્ઘટના પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું છે. મહત્વનું છે કે, શ્રમિકો 40 માળની બિલ્ડિંગની ઉપર વોટર પ્રૂફિંગનું કામ કરીને લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા હતા. આ દરમિયાન લિફ્ટ તુટી પડતા ભારે અફરા-તફરી સર્જાઈ હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

7 શ્રમિકોના દર્દનાક મોત
આ દુર્ઘટનામાં 7 શ્રમિકોના દર્દનાક મોત નિપજ્યા છે. મૃતકોની ઓળખ મહેન્દ્ર ચૌપાલ(ઉં.વ.32), રૂપેશ કુમાર દાસ(ઉં.વ.21), હારૂન શેખ(ઉં.વ.47), મિથિલેશ(ઉં.વ.35), કરીદાસ(ઉં.વ.38) અને સુનીલ કુમાર(ઉં.વ.21) તરીકે થઈ છે. આ ઉપરાંત અન્ય એક મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી.

દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લિફ્ટમાં કુલ 7 શ્રમિકો હતા અને તે તમામના મૃત્યુ નિપજ્યાં છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને કહ્યું, ‘થાણેમાં લિફ્ટ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરું છું.’

કામ પૂરું કરીને નીચે આવી રહ્યા હતા શ્રમિકો
તમને જણાવી દઈએ કે, ગતરોજ થાણેમાં આવેલી રુનવાલ નામની નવ નિર્મિત 40 માળની બિલ્ડિંગમાં કામગીરી ચાલી રહી હતી. આ બિલ્ડિંગની છત પર વોટર પ્રૂફિંગનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બિલ્ડિંગમાં કામ કરી રહેલા શ્રમિકો તેમનું કામ પુરુ કરી લિફ્ટમાં નીચે આવી રહ્યા હતા. આ દરમિયાન લીફ્ટ અચાનક ધડામ કરતા નીચે પડી હતી. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ લિફ્ટનું દોરડું તૂટવાને કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે શ્રમિકો લિફ્ટથી નીચે આવી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Related Posts