Ahmedabad| અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ ચરમેન સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આજે નવા પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. કોર્પોરેશન ખાતે યોજાયેલી સામાન્ય સભામાં નવા મહિલા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે.
અમદાવાદના મેયર અને ડેપ્યુટી મેયરના નામ જાહેર
અમદાવાદના મેયર તરીકે શાહીબાગના પ્રતિભા જૈનનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની પસંદગી કરવામાં આવી છે. સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ખુરશી પર દેવાંગ દાણીને બેસાડવામાં આવ્યા છે. તો શાસકપક્ષના નેતા તરીકે ગૌરાંગ પ્રજાપતિનું નામ જાહેર કરાયું છે.
કોણ છે નવા નિયુક્ત મેયર પ્રતિભા જૈન?
પ્રતિભા જૈન વિશે વાત કરીએ તો તેઓ શાહીબાગના કોર્પોરેટર છે, તેમની આ ત્રીજી ટર્મ છે. પ્રતિભા જૈન રાજસ્થાની જૈન સમાજમાંથી આવે છે. વર્તમાન સમયમાં તેઓ મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન છે.
2 સપ્ટેમ્બરે હાથ ધરાઈ હતી સેન્સ પ્રક્રિયા
આપને જણાવી દઈએ કે, ગત 2 સપ્ટેમ્બરે અમદાવાદના શાહીબાગના ઓસ્વાલ ભવન ખાતે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો કે.સી પટેલ, રાણા દેસાઈ અને ભીખીબેન પરમાર દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે એક પછી એક કોર્પોરેટરને બોલાવીને તેમના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. જેની યાદી બનાવીને પ્રદેશમાં રજૂ કરવામાં આવી હતી. ત્યાર હવે મોવડી મંડળે બંધ બાજીના પત્તા ખોલી નાખ્યાં છે. ત્યારે હવે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસકપક્ષના નેતાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે.