Bhavnagar| રાજસ્થાનના ભરતપુર પાસે ગતરોજ સર્જાયેલા ભયાનક અકસ્માતમાં ભાવનગર જિલ્લાના 12 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જેમાંથી 10 મૃતકો તો એક જ ગામના હતા. ત્યારે આજે સવારે 10 મૃતકોના મૃતદેહ તળાજા તાલુકાના દિહોર ગામે પહોંચ્યા બાદ એક સાથે 10 લોકોની અંતિમયાત્રા નીકળી હતી. દિહોર ગામના એક સાથે 10 લોકોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો છે. આખું દિહોર ગામ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. દિહોરમાં એક સાથે 10 અર્થી ઉઠતા આખું ગામ હીબકે ચડ્યું હતું.
મૃતકોના પરિવારજનોનું હૈયું કંપાવી મૂકે તેવું આક્રંદ
મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા હજારોની સંખ્યામાં લોકો દિહોર પહોંચ્યા છે. મૃતકોની અંતિમયાત્રામાં 10 હજારથી વધુ લોકો જોડાયા છે. મૃતકોના પરિવારમાં કરુણ આક્રંદ છવાઈ ગયો છે. તો આ અકસ્માતમાં મૃત્યુ પામેલ ભાવનગર શહેરની મહિલાનો મૃતદેહ પણ એમ્બ્યુલન્સ મારફતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યો છે.
શું બન્યો હતો બનાવ?
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામમાં આવેલી બજરંગદાસ બાપાની મઢુલીના મંડળના સભ્યોએ દિહોર ગામથી મથુરા સુધીની 12 દિવસની યાત્રાનું આયોજન કર્યું હતું. આ માટે ભાવનગરની કાર્તિક ટ્રાવેલ્સની બસ ભાડે કરવામાં આવી હતી. ગત 9મી સપ્ટેમ્બરે રાત્રે તમામ લોકો બસમાં મથુરા જવા રવાના થયા હતા.
ફૂલ સ્પીડમાં આવેલી ટ્રકે મારી હતી ટક્કર
આ યાત્રામાં રસ્તામાં આવતા નાથદ્વાર, પુષ્કર સહિતના ધાર્મિક સ્થળો પર દર્શન-પૂજન કરીને મથુરા તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે ગઈકાલે વહેલી સવારે રાજસ્થાનના ભરતપુર પાસે જયપુર નેશનલ હાઈવે-21 પર બસની ડિઝલની પાઈપ ફાટી જતા બસ બંધ પડી ગઈ હતી. જેથી ડ્રાઈવર અને ક્લિનર બંને બસનું રિપેરિંગ કામ કરી રહ્યા હતા. તેમની સાથે બસમાં સવાર 10-12 જેટલા મુસાફરો પણ બસમાંથી નીચે ઉતર્યા હતા. આ દરમિયાન ફૂલ સ્પીડમાં આવેલી ટ્રકે બસને ટક્કર મારી હતી, અને રસ્તા પર ઉભેલા 10-12 જેટલા મુસાફરોને કચડી નાખ્યા હતા.
12 મુસાફરોના નિપજ્યાં હતાં કરૂણ મૃત્યુ
આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતમાં 12 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે 11થી વધુ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવતા 12 મૃતકો ભાવનગર જિલ્લાના હોવાનું સામે આવ્યું હતું. જેમાં 10 મૃતકો તો એકજ ગામના હોવાનું સામે આવ્યું હતું.
કમકમાટીભર્યા અકસ્માતમાં ભાવનગર જિલ્લાના 7 મહિલાઓ અને 5 પુરુષોના મૃત્યુ નિપજતા CM ભૂપેન્દ્ર પટેલ, જીતુ વાઘાણી સહિતના રાજકીય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તો ગુજરાત સરકારે મૃતકના પરિજનોને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50,000ની સહાયની જાહેરાત કરી હતી. જ્યારે મોરારીબાપુએ પણ મૃતકના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 1,80,000 ની સહાયતા રાશિ અર્પણ કરી હતી.