બિહારના મુઝફ્ફરપુરમાં મોટી દુર્ઘટના ઘટી છે. બાગમતી નદીમાં ગુરુવારે સવારે શાળાએ જવા માટે 34 બાળકો બોટમાં સવાર થયા હતા. બોટ પલટી જતા 18 બાળકો હજુ પણ ગૂમ છે. સ્થાનિક લોકોમાં આ અકસ્માતને લઈને ખુબ રોષ છે. એવું કહેવાય છે કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને પહોંચવામાં એક કલાકથી પણ વધુનો સમય લાગ્યો હતો. ગુરુવારે શહેરમાં CM નીતિશકુમારના પહોંચતા પહેલા આ દુર્ઘટના ઘટી હતી જેના કારણે તેના પર રાજકીય ઘમાસાણ મચે તેવા એંધાણ છે. હાલ NDRFની ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. એવું કહેવાય છે કે બોટમાં કેટલીક મહિલાઓ પણ સવાર હતી.
બિહારના મુઝફ્ફરપુરમાં આ અકસ્માત બાદ ગ્રામીણોમાં ખુબ રોષ વ્યાપી રહ્યો છે. ગ્રામીણોનું કહેવું છે કે દર વર્ષે વરસાદ બાદ નદીનું પાણી વધી જાય છે. બાળકોએ શાળાએ જવા માટે મજબૂરીમાં બોટનો સહારો લેવો પડે છે. જ્યારે લાંબા સમયથી અહીં પુલ બનાવવાની માંગણી થઈ રહી છે. આ ઉપરાંત ગ્રામીણોનો એવો પણ આરોપ છે કે ઘટનાની જાણકારી મળ્યા બાદ પણ એક કલાકથી વધુ સમય સુધી NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી નહીં. રેસ્ક્યૂ કરવામાં પણ બેદરકારી વર્તાવામાં આવી છે.
બાળકોની શોધખોળ
બોટ પલટી જવાના સમાચાર ફેલાતા જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. અકસ્માતની જાણકારી મળતા જ સ્થાનિક ગોતાખોરો બાળકોને શોધવામાં લાગી ગયા છે. આ ઉપરાંત કેટલાક સ્થાનિકો પણ બાળકોને બચાવવાના કામે લાગ્યા હતા. 34માંથી ઘણા બાળકોને બચાવી લેવાયા. પરંતુ 18 બાળકો હજુ પણ ગૂમ છે. એવું કહેવાય છે કે બાળકોને બચાવવા માટે ગયેલો એક સ્થાનિક યુવક પણ ગૂમ છે. હાલ તમામ ગૂમ થયેલા લોકોનું રેસ્ક્યૂ વર્ક ચાલુ છે.