Ahmedabad| વિદેશમાં નોકરી મેળવવાની ઘેલછામાં અનેક લોકો છેતરાયા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, તેમ છતાં લોકોની આંખો ખુલી રહી નથી. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદના સાયબર ક્રાઈમ બ્રાંચના મૂળ રાજસ્થાનના ફરિયાદીએ એક ફરિયાદ આપી હતી કે, આજથી છ માસ પહેલા SD ટુર્સ અને ટ્રાવેલ્સના નામથી અમદાવાદના આશ્રમ રોડ ખાતે ઓફિસ શરુ કરી હતી. જેમાં મુન્ના ચૌહાણ, મુસ્તક અન્સારી, દિનેશ યાદવ અને વિધ્યા સાગર નામના લોકો સંપર્કમાં આવ્યા હતા, જેમણે વિદેશ એટલે કે કોલોમ્બિયા ખાતે ડ્રાઇવર, હેલ્પર તેમજ વર્કર તરીકે નોકરી આપવાનું કહ્યું હતું. ત્યારબાદ ફરિયાદી પાસેથી રૂ. 1,40,000 મેળવ્યા હતા અને પાસપોર્ટ લીધો હતો અને સામે આરોપીઓએ કોલોમ્બિયાની ગિલ કંપનીનો કામ કરવાનો એક ઓફર લેટર આપ્યો હતો.
આ પ્રકારે આરોપીઓને ગુજરાત સહીતના 12 લોકોએ પોતાને વિદેશમાં નોકરી મળશે એ ઈચ્છાએ વ્યક્તિ દીઠ 1 લાખ 40 હજાર રૂપિયા અલગ અલગ રીતે આપ્યા હતા. જેની કુલ કિંમત 22 લાખ 40 હાજર થવા પામી હતી. ફરિયાદીઓને નોકરી ન મળતા છેતરાયાનો અહેસાસ થતા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ મળતા આરોપીઓના મોબાઈલ નંબરના આધારે તપાસ કરતા મુન્ના ચૌહાણ નામનો આરોપી મળી આવ્યો હતો, ત્યારે પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ફરિયાદીઓને વર્ક કરવા માટે જે કોલોમ્બિયાની ગિલ કંપનીનો ઓફર લેટર આપવામાં આવ્યા હતા તે ખોટા હતા. સાયબર ક્રાઇમ બ્રાંચે મુન્ના ચૌહાણ નામના એક આરોપીની ધરપકડ કરીને મુસ્તક અન્સારી, દિનેશ યાદવ અને વિદ્યા સાગર નામના આરોપીઓની શોધખોળ શરુ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ એ SD ટુર્સ અને ટ્રાવેલ્સ નામની કંપનીની જાહેરાત ત્રણ રાજ્યોના ન્યુઝ પેપરમાં આપી હતી. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તો પોલીસને શંકા છે કે આ કૌભાંડ માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી, અન્ય રાજ્યના લોકો પણ આ ગેંગનો શિકાર બન્યા છે.
પોલીસને શંકા છે કે ફરિયાદીઓના પાસપોર્ટ આરોપીએ લઇ લીધા છે. ત્યારે આ તમામ પાસપોર્ટ નેપાળ બોર્ડર પર વેચ્યા હોઈ શકે છે ત્યારે પોલીસની તપાસમાં વધુ મોટું કૌભાંડ પણ સામે આવી શકે છે.