ચોંકાવનારી ઘટના: ટ્યુશન ન જવા બાળકીએ રચ્યું પોતાના જ અપહરણનું નાટક, આખા જિલ્લાની પોલીસ દોડતી થઇ

by Dhwani Modi
The girl created a drama of her own abduction, News Inside

રાજકોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત એમ છે કે, આજે સવારથી જ રાજકોટમાં થાર કારમાં આવેલ ઇસમોએ બાળકીનું અપહરણ કર્યાના સમાચાર વહેતા થયા હતા. આ તરફ ઘટનાની ગંભીરતાની નોંધ લઈ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી. આ તરફ ચારે બાજુ નાકાબંધી વચ્ચે અપહરણમાં બચી ગયેલ બાળકીનું નિવેદન શંકાસ્પદ લાગતાં CCTV પણ ચેક કરવામાં આવ્યા. જોકે CCTVમાં બાળકી શાંતિથી ચાલીને જતી હોય તેવું દેખાઈ રહ્યું હોઇ પોલિસે તપાસ શરૂ કરી હતી. આ તરફ પોલીસ તપાસમાં બાળકીએ પોતાનું હોમવર્ક બાકી હોઇ ટ્યુશન ન જવું હોઇ આ તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે.

રંગીલા રાજકોટમાં એક બાળકીનું કારમાં આવેલ ઇસમોએ અપહરણ કર્યાના સમાચારથી પોલીસ દોડતી થઈ હતી. જોકે બાદમાં જે ખુલાસો થયો તે અત્યંત ચોંકાવનારો હતો. વિગતો મુજબ આજે સવારે રાજકોટમાં પોપટપરા વિસ્તારની એક બાળકીના નિવેદન બાદ જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી. જેમાં બાળકીએ કહ્યું હતું કે, થાર કારમાં આવેલ ઇસમોએ તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને ઈસમને બચકું ભરી લેતા તેનો બચાવ થયો પણ તેની એક બહેનપણીનું અપહરણ કરી ઇસમો નાસી છૂટ્યા છે. જોકે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી.

જિલ્લાભરની પોલીસ તપાસમાં લાગી 
રાજકોટમાં થાર કારમાં આવેલ ઇસમોએ બાળકીનું અપહરણ કર્યાનું સામે આવતા જ પોલીસ સતર્ક બની હતી. જેને લઈ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, DCP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યાં બાળકીની પૂછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેમાં બાળકીના નિવેદન મુજબ તે સ્થળના CCTV ચેક કરતાં તેમાં બાળકી શાંતિથી જઈ રહી હોવાનું દેખાયું હતું.

અપહરણ ઘટનામાં ખુલાસો
આ તરફ રાજકોટમાંથી બાળકી અપહરણ ઘટનામાં પોલીસે મોટો ખુલાસો કર્યો હતો .રાજકોટ ઝોન-2ના DCP સુધીર કુમાર દેસાઈએ કહ્યું કે, પોલીસ તપાસમાં કોઈ અપહરણ ન થયું હોવાનું ખુલ્યું છે. તેમણે કહ્યું કે, પોલીસે તમામ CCTV અને વિસ્તારની મુલાકાત કરી હતી. જેમાં CCTV ફૂટેજમાં બાળકી ચાલતી જતી હોવાનું સામે આવ્યુ છે. આ તરફ બાળકી અને પરિવારની પૂછપરછ કરવામાં આવતા ટ્યુશનમાં ન જવું હોવાથી બાળકીએ તરકટ રચ્યું હોવાનું ખૂલ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, બાળકીને ટ્યુશનમાં જવું ન હોઈ, હોમવર્ક બાકી હોવાથી સમગ્ર નાટક રચ્યું હતું.

Related Posts