આખરે બ્રહ્મસ્વરૂપ સ્વામીને ભૂલ સમજાઈ, ખોડિયાર માતા પર વિવાદિત ટિપ્પણી બાદ માફી માંગતો વિડીયો કર્યો જાહેર

by Dhwani Modi
Brahmaswaroop Swami apologized for the controversial comment, News Inside

વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ બફાટ કર્યા બાદ હવે માફી માંગી છે. ખોડિયાર માતાજી પર કરેલી વિવાદિત ટિપ્પણી બાદ હવે તેમણે માફી માંગી છે. તેમના નિવેદનથી ખોડલધામ ટ્રસ્ટ અને ભક્તોની લાગણી દુભાઈ હતી. જેથી વડતાલ મંદિરના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ માફી માંગતો વીડિયો જાહેર કર્યો છે.

ખોડિયાર માતાજી અને નાથ સંપ્રદાય વિરુદ્ધ ટિપ્પણી કરવાનો બ્રહ્મસ્વરૂપ સ્વામીનો વીડિયો વાયરલ થયો હતો. જેના બાદ વિવાદ ઉઠ્યો હતો. આખરે બ્રહ્મસ્વરૂપ સ્વામીને બ્રહ્મજ્ઞાન થયું છે. વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ માફી માગી છે. માફી માંગતા બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું કે, ‘મારો આશય કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો નહોતો. મારો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો. છતાં મારા શબ્દોથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી દિલગીરી સાથે, હાથ જોડીને કરબદ્ધ ક્ષમા યાચના ચાહું છું. ફરી વખત આનું પુનરાવર્તન નહી થાય તેની ખાતરી આપું છું.’

બ્રહ્મસ્વરૂપ સ્વામીની વિવાદિત ટિપ્પણી
વાયરલ વીડિયોમાં બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યુ હતું કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ જણાવ્યું કે, “ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું કે, જોબનપગીના કુળદેવી ખોડિયાર માતા છે પણ આપણા ભગત થયા એટલે તેમના કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. ઘણા લોકો કુળદેવીને પકડીને રાખે છે મુકતા જ નથી પણ મુકી દેવા પડે છે કેમ કે કુળદેવી નારાજ થઈ જશે, નારાજ ના થાય એટલે પગે લાગે.” બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જ્યારે જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પુછ્યું, કે આ કોણ છે? ત્યારે તેમણે કહ્યું કે આ અમારા કુળદેવી છે. મહારાજે પોતાના ભીના કપડા નીચોવી માતાજી પર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.

ખોડલધામે આપી હતી ચેતવણી
લાખો પરિવારોના સદીઓથી કુળદેવી જોગમાયા ખોડિયાર માતાજી વિશે બ્રહ્મસ્વરૂપ સ્વામીએ બફાટ કર્યો હતો. જેથી ભક્તોની લાગણી દુખાઈ હતી. બ્રહ્મસ્વરૂપ સ્વામીના બફાટ સામે ખોડલધામે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. લેઉઆ પાટીદારોના આસ્થા કેન્દ્રએ જણાવ્યું કે, ભક્તોની લાગણી દુભાઈ છે, તે કારણે માટેલ મંદિરે સ્વામી પાસે માફીની માંગ કરી હતી.

Related Posts