રેલવે અને બસની જેમ હવે એરપોર્ટની મુસાફરી પણ સલામત રહી નથી. એરપોર્ટ પર મુસાફરોના સામાનની ચોરીના કિસ્સા વધી રહ્યા છે. હજી બે મહિના પહેલા અમદાવાદની એક 61 વર્ષીય મહિલાના પેસેન્જર હેન્ડબેગમાંથી 10 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હતી. આ ઘટના હજી તાજી જ છે ત્યાં અમદાવાદ એરપોર્ટ પર બીજી મોટી ચોરીની ઘટના બની છે. અમદાવાદ એરપોર્ટમાં મુસાફરની બેગ તોડીને સામાનની ચોરી કરવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. અમદાવાદ એરપોર્ટ પર મલેશિયાથી આવેલા મુસાફરની બેગમાંથી જ્વેલરી સહિત 5 લાખની ચોરી કરાઈ હતી. સતત બીજી ઘટનાથી કહી શકાય, અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોના સામાનના સુરક્ષાનો કોઈ ભરોસો નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનો પરિવાર વિયેતજેટની ફ્લાઈટમાં મલેશિયાથી આવ્યો હતો. શનિવારે વિયેતજેટની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. જેમાં મલેશિયાથી એક પાટીદાર પરિવાર અમદાવાદ આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થતા જેમ પરિવાર સામાન લેવા લગેજ પાસે ગયો તો કન્વેયર બેલ્ટ પરથી બેગ હાથમાં આવી તો ખુલેલી હતી. આ જોઈ તેઓ ચોંકી ગયા હતા. તેઓએ ચેક કર્યું તો બેગમાંથી કિંમતી સામાન ગાયબ હતો. બેગમાંથી ત્રણ દેશની કરન્સી, તેમજ સોનાના દાગીના સહિતના કિંમતી સામાન મળીને કુલ પાંચ લાખની ચોરી થઇ હતી.
આ બાદ પરિવારે તાત્કાલિક એરલાઈન્સને સંપર્ક કર્યો હતો, જેથી 100 નંબર કન્ટ્રોલ પર ફોન કરીને પોલીસ બોલાવવામાં આવી હતી. મુસાફર નિકુંજ પટેલે આ ઘટના વિશે જણાવ્યું કે, મારી બેગમાં સિંગાપોર, થાઇલેન્ડ, મલેશિયાની 3 લાખની કરન્સી અને રૂ.50 હજારની ઈન્ડિયન કરન્સીની નોટો મૂકી હતી. જ્યારે 1.50 લાખની કિંમતનો સોનાનો દોરો પણ હતો. આ બધી વસ્તુઓ મિસિંગ છે.
તેમણએ કહ્યું કે, મલેશિયામાં મારી દીકરીની તબિયત બગડતાં પરિવાર સાથે વિયતનામ પહોંચ્યો હતો. જ્યાં મલેશિયામાં 9 બેગ ચેકઇન કરાવી હતી. શનિવારે અમદાવાદ આવ્યા પછી કન્વેયર બેલ્ટ પરથી સામાન લીધા બાદ સફેદ બેગમાંથી બેલ્ટ બહાર દેખાતા બેગ ચેક કરતાં ખબર પડી હતી કે, બેગમાંથી કિંમતી સામાનની ચોરી થઈ છે. એરલાઈનને ફરિયાદ કર્યા પછી 100 નંબર ડાયલ કરી પોલીસ બોલાવાઈ હતી.