અંબાલાલ પટેલની ભયાનક આગાહી: નદીઓમાં આવશે પૂર, જળાશયો અને ડેમ છલકાશે, બનાસકાંઠા રહે હાઈ એલર્ટ

by Dhwani Modi
Ambalal Patel rain prediction for 19 and 20 september, News Inside

Ambalal Patel’s rain prediction|  રાજ્યમાં શનિવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ભાદરવામાં મેઘરાજાએ મહેર કરીને ભરપૂર કરી દીધો છે. જેના કારણે ખેડૂતોની ચિંતા ઘટી ગઇ છે. એવામાં ફરીવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે કહ્યું છે કે, ગુજરાતમાં 19, 20 સપ્ટેમ્બરે વરસાદ રહેશે. 21 સપ્ટેમ્બરે કચ્છથી વરસાદી સિસ્ટિમ પાકિસ્તાન તરફ જશે.

ભારેથી અતિભારે વરસાદની શક્યતાઃ અંબાલાલ પટેલ 
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 19 અને 20 સપ્ટેમ્બર રાજ્યમાં વરસાદ રહેશે. આ દરમિયાન દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ 2 દિવસમાં એટલે કે 19 અને 20મી સપ્ટેમ્બરે 20થી 30 સેમી વરસાદ થઈ શકે છે. ભારે વરસાદના કારણે દક્ષિણ રાજસ્થાનની નદીઓમાં પૂરની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન બનાંસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.

‘બે દિવસ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી’
તેઓએ જણાવ્યું કે, આ બે દિવસ દરમિયાન થરાદ, વાવ, કાંકરેજ, રાધનપુર, સાંતલપુર, સુઈગામમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની જળ સપાટીમાં વધારો થશે. આ ઉપરાંત સાબરમતી નદીનું જળસ્તર પણ વધી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બે દિવસ દરમિયાન કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જામનગરના પોરબંદર, દ્વારકાના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.

બનાસકાંઠાની નદીઓમાં સર્જાશે પૂરની સ્થિતિઃ અંબાલાલ પટેલ
આપને જણાવી દઈએ કે, ગતરોજ વરસાદને લઈને આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 18 અને 19 સપ્ટેમ્બરે બનાસકાંઠામાં અતિભારે વરસાદ પડશે. ભારે વરસાદને પગલે બનાસકાંઠાની નદીઓમાં પૂરની સ્થિતી સર્જાશે. જળાશયોમાં વરસાદના કારણે જળ તાંડવની શક્યતા રહેશે. બનાસકાંઠા ઉપરાંત કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. કચ્છના વાગડ સહિત પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ પડશે. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદના કારણે સતર્ક રહેવું જરૂરી છે.

ગુજરાતના આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા 
તેમણે જણાવ્યું હતું કે, કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, આદીપુર, માંડવી, જખૌ, નખત્રાણા અને ભુજમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત થરાદ, વાવ, ઈકબાલગઢ, તખતગઢ, કાંકરેજ, સૂઈગામના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. સાથે જ જામનગરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને હળવદમાં પણ વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ અન્ય ભાગોમાં વરસાદની શક્યતા છે.

‘વરસાદી સિસ્ટમ 21 સપ્ટેમ્બરે કચ્છ થઇને અરબ સાગરમાં પહોંચશે’
તેઓએ જણાવ્યું હતું કે, આગામી 23 અને 24 સપ્ટેમ્બર સુધી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘમહેર રહેશે. આ સમયગાળા દરમિયાન મુંબઇ-મહારાષ્ટ્રના ભાગો સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.  ઉત્તર-મધ્ય ગુજરાત તેમજ પંચમહાલના વિસ્તારોમાં 21 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે, હાલ ચાલતી વરસાદી સિસ્ટમ 21 સપ્ટેમ્બરે કચ્છ થઇને અરબ સાગરમાં પહોંચશે.

 

Related Posts