Surat| વિદેશ જવાની લ્હાયમાં લોકો સાથે અનેકવાર ઠગાઈની ઘટનાઓ દિવસેને દિવસે બનતી હોય છે. ત્યારે અન્ય સાથે થયેલી ઠગાઈની ઘટનાઓ બાદ પણ લોકો લાલચમાં આવી જઇ સોશિયલ મીડિયા મારફતે અથવા એજન્ટ મારફતે વિદેશ જવાની લાયમાં લાખો રૂપિયા ખોઈ બેસે છે. ત્યારે આવી જ એક ઠગાઈની ઘટના સુરતમાં બની છે. સુરતમાં યુકેના વિઝાની લેખિત ગેરંટી આપી દંપતી છૂમંતર થઈ ગયું છે, આ દંપતીએ 21 લોકો સાથે 1.5 કરોડની છેતરપિંડી આચરી છે. હાલ આ ઠગ દંપતી વિવાન પાટીલ ઉર્ફે વિનાયક પાટીલ ઉર્ફે યુસુફ પઠાણ અને પત્ની વિવિયાના ચતુરદાસ પાટીલ સામે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. એજન્ટે અરજદારોના ખોટા દસ્તાવેજો રજૂ કરતા 6 લોકો પર યુકેમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ લાગ્યો છે.
શિક્ષક હિતેશ પટેલે નોંધાવી ફરિયાદ
પ્રાપ્ત વિગતો અનુસાર, બારડોલી ખાતે આવેલી ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ પટેલે આ ઠગ દંપતી સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં હિતેશ પટેલે જણાવ્યું છે કે, તેઓએ જુલાઈ 2022માં ફેસબુક પર યુકેમાં ગેરેન્ટેડ વિઝાની જાહેરાત જોઈ હતી. જે બાદ તેઓ સુરતના ડુમસ રોડ પર લકઝરીયા બિઝનેસ હબમાં આવેલી વોઇસ ઇમિગ્રેશન એન્ડ વિઝા નામની ઓફિસે મળવા ગયા હતા. જ્યાં એજન્ટે પોતાનું નામ વિનાયક પાટીલ અને પત્નીનું નામ વિવિયાના ચતુરદાસ પાટીલ જણાવ્યું હતું.
શિક્ષકને આપ્યો હતો યુકેનો સ્કીલ વર્ક વિઝા એપોઇન્ટમેન્ટ લેટર
તેઓએ હિતેશ પટેલને યુકેમાં 5 વર્ષ માટે ગેરેન્ટેડ વર્ક વિઝા આપવાની ગેરંટી આપી હતી. આ દંપતીએ તેમને UKના વિઝા માટે 15 લાખ ફી જણાવી હતી. જે બાદ તેઓએ બે પાર્ટમાં પેમેન્ટની શરત મુકી હતી. જેમાં 5 લાખ પહેલા બાકીના 10 લાખ વિઝા મળ્યા બાદ આપવાના નક્કી થયા હતા. હિતેશ પટેલે માર્ચ-2023માં એજન્ટને ઓફિસમાં 5 લાખનો ચેક આપ્યો હતો. જેના એક મહિના પછી એજન્ટે હિતેશ પટેલને યુ.કે સ્કીલ વર્કર વિઝાનો લેટર આપ્યો હતો. જે બાદ તેઓએ આ અંગે તપાસ કરતા આ લેટર બોગસ હોવાનું સામે આવ્યું હતું.
ઓફિસમાં લાગેલા હતા તાળા
જેથી તેઓ ડુમસ રોડની ઓફિસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ઓફિસ બંધ હાલતમાં જોવા મળી હતી. આ મામલે હિતેશભાઈ દ્વારા તપાસ કરવામાં આવતા આ ઠગ દંપતીએ અનેક લોકોને બાટલીમાં ઉતાર્યા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ દંપતીના ઘરે જતાં જાણવા મળ્યું હતું કે એજન્ટે જણાવેલું પોતાનું વિનાયક પાટીલ નામ ખોટું હતું. તેનું સાચું નામ યુસુફ અબ્દુર રહેમાન પઠાણ હોવાનું અને તે મૂળ ભેસ્તાનનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.
21 લોકો સાથે 1.5 કરોડની છેતરપિંડી
આ ઠગ દંપતીએ સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, બારડોલીના 21 લોકો સાથે 1.5 કરોડની છેતરપિંડી આચરી હોવાનું પણ સામે આવ્યું હતું. હાલ શિક્ષકે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.