Uttar Pradesh| સરયૂ એક્સપ્રેસમાં તાજેતરમાં જ મહિલા કોન્સ્ટેબલ પર થયેલા જીવલેણ હુમલામાં સામેલ મુખ્ય આરોપી પોલીસ અને STF દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. વિગતો મુજબ મુખ્ય આરોપી અનીસ અયોધ્યાના પુરા કલંદરમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અનીસનું મોત ક્રોસ ફાયરિંગમાં થયું હતું. અયોધ્યાના ઇનાયત નગરમાં એન્કાઉન્ટર બાદ અનીસના અન્ય બે સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે. માર્યા ગયેલા ગુનેગાર અનીસના અન્ય બે સહયોગી આઝાદ અને વિશંભર દયાલ ઉર્ફે લલ્લુ આ ઘટનામાં ઘાયલ થયા છે.
મુખ્ય હુમલાખોરનું એન્કાઉન્ટર, બે ઝડપાયા
વિગતો મુજબ મુખ્ય આરોપી અનીસ ટ્રેનમાં મહિલા કોન્સ્ટેબલની છેડતી કરી રહ્યો હતો. જ્યારે મહિલા કોન્સ્ટેબલે બદમાશને નીચે પછાડ્યો ત્યારે ત્રણ બદમાશોએ મહિલા પર જીવલેણ હુમલો કર્યો અને તેનો ચહેરો લોહીલુહાણ થઈ ગયો. બદમાશોએ મહિલાનું માથું ટ્રેનની બારી પર માર્યું હતું, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જ્યારે ટ્રેન અયોધ્યા સ્ટેશન પહોંચતા પહેલા ધીમી પડી ત્યારે ત્રણ બદમાશો ભાગી ગયા હતા. મહિલા કોન્સ્ટેબલ સામેની આ નિર્દયતા બાદ યુપી STF અને અયોધ્યા પોલીસે મહિલા કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કરનાર ગુનેગારને મારી નાખ્યો જ્યારે બે અન્યની ધરપકડ કરવામાં આવી છે.
અનીસનું હોસ્પિટલમાં મૃત્યુ થયુંઃ SSP
આ એન્કાઉન્ટર અંગે SSPએ કહ્યું કે, પીડિત મહિલાને ફોટો બતાવીને આરોપીની ઓળખ કરવામાં આવી, ત્યારબાદ પોલીસ અને STFની ટીમ તેના પર કામ કરી રહી છે. આરોપીઓ વિશે માહિતી મળ્યા પછી જ્યારે પોલીસે ઇનાયત નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડ્યો અને તેમને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ ફાયરિંગ શરૂ કર્યું. એન્કાઉન્ટરમાં ઘાયલ થયા બાદ બે આરોપી પકડાયા હતા પરંતુ એક આરોપી ફરાર થઈ ગયો હતો, તેના માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ સાથે અધિકારીએ જણાવ્યું કે, જ્યારે પોલીસ પુરા કલંદરમાં અનીસ નામના આરોપીની હાજરીની સૂચના પર પહોંચી અને તેને આત્મસમર્પણ કરવા કહ્યું ત્યારે તેણે ગોળીબાર કર્યો, પોલીસ ટીમે સ્વ-બચાવમાં ગોળીબાર કરતાં તે ગોળી અનીસને વાગી હતી. જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
પોલીસે એક લાખ રૂપિયાનું રાખ્યું હતું ઈનામ
સરયૂ એક્સપ્રેસમાં સુલતાનપુરમાં તૈનાત મહિલા કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો સીટ પર બેસવાના વિવાદને કારણે થયો હતો. લખનૌ કેજીએમસીમાં ભરતી મહિલા કોન્સ્ટેબલની પૂછપરછ દરમિયાન પોલીસ ટીમને આ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ પછી STFની ટીમોએ માનકાપુરથી અયોધ્યા આવી રહેલા 150 થી વધુ લોકોની પૂછપરછ કરી અને હુમલાખોરોની શોધ શરૂ કરી. પોલીસે આરોપી વિશે માહિતી આપનારને 1 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું.
શું હતી સમગ્ર ઘટના ?
આ ઘટના 30 ઓગસ્ટે માનકાપુરથી અયોધ્યા આવી રહેલી સરયૂ એક્સપ્રેસમાં મહિલા કોન્સ્ટેબલ સાથે બની હતી. રિપોર્ટ અનુસાર મહિલા કોન્સ્ટેબલ સરયૂ એક્સપ્રેસમાં અપર બર્થ પર સૂઈ રહી હતી, જેના પર માનકાપુરમાં જ બંને હુમલાખોરો સાથે તેની લડાઈ થઈ હતી. જ્યારે ટ્રેન માનકાપુરથી અયોધ્યા માટે રવાના થઈ ત્યારે 10 મિનિટ પછી ટ્રેને સ્પીડ પકડી અને પછી બંને હુમલાખોરોએ મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કર્યો. પોલીસે આ કેસમાં લગભગ અઢીસો શંકાસ્પદોની પૂછપરછ કરી હતી. સર્વેલન્સની સાથે પોલીસે બાતમીદારોને પણ સક્રિય કર્યા હતા. પોલીસ ટીમો માનકાપુર અને અયોધ્યા વચ્ચેના લગભગ 200 ગામડાઓમાં બાતમીદારો દ્વારા હુમલાખોરોને શોધી રહી હતી.
મધ્યરાત્રિએ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી
મહિલા કોન્સ્ટેબલ પરના હુમલાની ગંભીરતાને જોતા અલ્હાબાદ હાઈકોર્ટે આ અંગે સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. આ કેસની વિશેષ સુનાવણી માટે રાત્રે કોર્ટ ખુલી હતી અને ન્યાયાધીશે ઘરે બેંચની સ્થાપના કરી હતી. આ પછી કોર્ટે રેલ્વે અને સરકારને આકરા સવાલો કર્યા અને શું કાર્યવાહી કરવામાં આવી છે તેની માહિતી આપવા કહ્યું.