ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર મામલે આકરું વલણ અપનાવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં લાવી હતી. આ પોલિસી હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી AMCના સીએનસીડી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આજે સવારે શહેરના જુના વાડજ વિસ્તારમાં ઝવેરી પાર્ક નજીક આવેલી માલધારી સોસાયટીમાં સીએનસીડી વિભાગની ટીમ ઢોર પકડવા ગઈ હતી. આ દરમિયાન એક વૃદ્ધને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું. જોકે, સ્થાનિક માલધારીઓ અને પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઘરમાં બાંધેલા ઢોર પકડવા આવી હતી. તે દરમિયાન વૃદ્ધ વચ્ચે પડ્યા હતા અને તેમને ધક્કો વાગતા તેઓ નીચે પડી ગયા હતા. ત્યારબાદ તેઓને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યું થયું છે.
ઉસ્માનપુરા ઓફિસ ખાતે ટોળાએ નોંધાવ્યો વિરોધ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા ઘરમાંથી ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી હોવાથી ઘર્ષણ થતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મૃત્યું થયું હોવાની ઘટનાને પગલે મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉસ્માનપુરા ખાતે આવેલી પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે ભેગા થઈ અને વિરોધ નોંધાવ્યો હતો. 200થી વધુ લોકોનું ટોળું ઉસ્માનપુરા પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે બહાર બેસી અને વિરોધ નોંધાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. એક તરફ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારોમાંથી માલધારી સમાજના લોકો ઉસ્માનપુરા પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે પહોંચી રહ્યા છે.
વૃદ્ધના મોતને લઇ માલધારી સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો
જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માગ
રબારી સમાજના આગેવાનોની માગ છે કે, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉસ્માનપુરા પશ્ચિમ ઝોનની ઓફિસથી હટીશું નહીં. મૃતકને ન્યાય મળવો જોઇએ. ઢોર પકડવા આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે. જ્યાં સુધી ન્યાય અને સજા નહીં આપવામાં આવે ત્યાં સુધી અહીંયા જ બેસી આંદોલન અને ધરણા કરવામાં આવશે.
વૃદ્ધના મોત મામલે AMCનો ખુલાસો
વાડજ વિસ્તારમાં રબારી સમાજના વૃદ્ધના મૃત્યુ મામલે AMCએ ખુલાસો કર્યો છે કે, વાડજ વિસ્તારમાં રસ્તા, ફૂટપાથ, અવરજવરની કોમન જગ્યામાં ખિલા, ખુટા, દોરડા બાંધેલા પશુઓ રાખી ટ્રાફિક અને નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ઉભી થતા કામગીરી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં એક વૃદ્ધનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે જેને પશુ પકડવાની કામગીરી સાથે કોઈ લેવા દેવા નથી.