અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી યુવાધન ડ્ર્ગ્સના રવાડે ચઢી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. યુવાનોને બરબાદીના પંથે જતું અટકાવવા માટે તથા ડ્રગ્સના વાયુને દૂર કરવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે સખ્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એન્ટી નાર્કોટિક સેલની રચના કરવામાં આવી છે. જે ડ્રગ્સના વેચાણને નાબૂદ કરવા માટે કાર્યવાહી કરશે.તાજેતરમાં ડ્રગ્સનું દૂષણ યુવાનોના માતા પિતા માટે ચિંતાનો વિષય બની ગયો છે. કારણ એ છે કે દેખાદેખીમાં કરેલો નશો ક્યારેક નહિ પણ ચોક્કસ થી આદતમાં પરિણમે છે અને યુવાનો બરબાદીને આમંત્રણ આપી રહ્યાં છે. ત્યારે આવા સંજોગોમાં અમદાવાદને ડ્રગના વાયુથી ઉડતા અમદાવાદ થતું અટકાવવા માટે શહેર ક્રાઇમબ્રાન્ચે એન્ટિ નાર્કોટિક્સ સેલની રચના કરી છે.આ સેલમાં 1 પીઆઇ, 2 પીએસઆઇ, અને 25 પોલીસ કર્મચારી કામગીરી કરી રહ્યાં છે.આ સાથે જ આ ટીમમાં ટેકનીકલ એનાલીસીસ કરી શકે તેવા પોલીસ કર્મચારી પણ સામેલ છે. જેઓ ડ્રગ્સ માફિયાઓ અને ડ્રગ્સ પેડલરો પર બાજ નજર રાખી રહ્યા છે. મોટા ભાગની ઘટનાઓમાં એન્ટી નાર્કોટીક્સ સેલ દ્વારા કરવામાં આવેલ કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ગાંજો ઓરિસ્સા, એમ ડી ડ્રગ્સ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તેમજ ચરસ કાશ્મીર બાજુથી આવે છે.ક્રાઇમબ્રાન્ચની એન્ટી નાર્કોટિક્સ ટીમ દ્વારા છેલ્લા એક મહીનામાં 10 જેટલા નાર્કોટીક્સના કેસ કરવામાં આવ્યાં છે. લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ કબ્જે કરવામાં આવ્યું છે. આ જ ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્કને તોડી પાડવા માટે એન્ટી નાર્કોટિક સેલ દ્વારા કોઇપણ કેસના મૂળ સુધી પહોચવા માટેના પ્રયત્ન કરે છે. જેના કારણે સમગ્ર નેટવર્કને તોડી શકાય જેના માટે જરૂર પડ્યે ટેકનોલોજીની પણ મદદ લેવામાં આવી રહી છે. જોકે છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા ડ્રગ્સની બદીને જડમૂળમાંથી દૂર કરવા માટે ડ્રગ્સ પેડલરોને પણ પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
17