India Vs Pakistan: અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટની બેફામ કાળાબજારી પણ શરૂ થઇ ગઇ છે. અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચ પહેલા પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની 150 બનાવટી ટિકિટ સાથે એક આરોપીની અટકાયત કરી હતી. નોંધનીય છે કે વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં મેચ રમાશે.
પોલીસે અટકાયત કરાયેલા વ્યક્તિ પાસેથી 150 કરતા વધુ બનાવટી ટિકિટ કબ્જે કરી હતી. સારી ક્વોલીટીની પ્રિન્ટીંગ વાળી ટિકિટ સાથે એક યુવકની અટકાયત કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન મેચની બે હજારની ટિકિટ 20 હજાર રૂપિયામાં અને 10 હજારની ટિકિટ એક લાખ રૂપિયા સુધી વેચાઈ રહી છે. સોશલ મીડિયા પર કેટલાક લોકોએ બનાવટી ટિકિટો વેચીને લોકોને છેતરવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભારત પાકિસ્તાનની મેચને લઈને સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. હર્ષ સંઘવી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પહોંચ્યા હતા અને ભારત પાકિસ્તાનની મેચને લઈ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. DG અને GASના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આઈબીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.