મોદી સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપનાર ઝડપાયો:માત્ર મજા લેવા મૂળ MPના વીડિયો બ્લોગરે ધમકી આપી

સરકાર પાસે 500 કરોડની માગણી કરતો ઈ-મેલ આ યુવકે કર્યાની શંકા

by ND
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી આપનારને અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી આપનારને અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14મી ઓક્ટોબરે મેચ રમાવવાની છે ત્યારે બીસીસીઆઇને ઇ-મેઇલ મારફતે ધમકી આપનારને અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે રાજકોટથી ઝડપી લીધો હતો.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. આ ધમકી આપનારા બ્લોગર કરણ માળીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટથી ઝડપ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ અંગે આજે પત્રકાર પરિષદ યોજી તમામ માહિતી આપશે. કરણ માળી મૂળ મધ્યપ્રદેશનો બ્લોગર છે. તેણે ફક્ત મઝા લેવા માટે જ ધમકી આપી હતી.

અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનને લઈને અત્યારથી જ ચાંપતો બંદોબસ્ત ગોઠવવાની તૈયારી ચાલી રહી છે. તેને લગતી કોઈપણ બાબત કે પાસાને પોલીસ જરા પણ અવગણતી નથી. તેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી મળી તે બાબતને પોલીસે ખૂબ જ ગંભીરતાથી લીધી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તેના પછી આ વ્યક્તિ રાજકોટનો બ્લોગર નીકળ્યો હતો.

આ બ્લોગરને મજાક ભારે પડી જાય તેવી સંભાવના છે. સ્ટેડિયમ ઉડાવવાની ધમકી સામે પોલીસ આકરા પગલા લે તેમ મનાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ જાહેર સ્થળ ઉડાવી દેવાની ધમકી આપવાના લીધે કમસેકમ બે વર્ષ તો તેણે જેલના સળિયા ગણવા પડી શકે છે.

અમદાવાદની ટીમ બુધવારે અમદાવાદ આવશે. અમદાવાદ એરપોર્ટ પર બપોરે સાડા ત્રણ વાગે પાકિસ્તાનની ટીમ અને તેનો મેનેજમેન્ટ સ્ટાફ પહોંચે તેવી સંભાવના છે. આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાતમાં પાકિસ્તાનની ટીમ રોકાશે. ભારતની ટીમ 12 ઓક્ટોબરના રોજ અમદાવાદ આવશે. મેચને લઈને શહેરમાં અત્યારથી જ ભારે બંદોબસ્ત છે.

Related Posts