- અંબાજીના મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી સપ્લાય કરવાનો મામલો
- નાસતો ફરતો દુષ્યંત સોની અંબાજી પોલીસ સ્ટેશન થયો હાજર
- દુષ્યંત સોની પાસે ઘી ક્યાંથી આવ્યું તે અંગે અંબાજી પોલીસ કરશે તપાસ
અંબાજીનાં મોહનથાળમાન નકલી ઘી સપ્લાય કરવા મામલે પોલીસ દ્વારા એક પછી એક ધરપકડ તેઓનો કોર્ટમાં રજૂ કરી તપાસ હાથ ધરી છે. ત્યારે નીલકંઠ ટ્રેડર્સનાં માલિક જતીન શાહે નકલી ઘી દુષ્યંત સોની પાસેથી ખરીદ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. અંબાજી પોલીસ દ્વારા દુષ્યંત સોનીને પકડવા તપાસનાં ચક્રોગતિમાન કર્યા હતા. દુષ્યંત સોની અંબાજી પોલીસ મથકે હાજર થતા પોલીસે દુષ્યંત સોનીની અટકાયત કરી તેની તપાસ હાથ ધરી છે.
શું હતો સમગ્ર મામલો
શક્તિપીઠ અંબાજી ખાતે તા.23 થી 29 સપ્ટેમ્બર 2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો આયોજિત થયો હતો. જેમાં લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ગુણવત્તાયુક્ત મોહનથાળનો પ્રસાદ મળી રહે એ માટે આયોજન કરાયેલ હતું. આ મેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો હતો. જે ઘીના સમ્પેલ ફેઈલ થતાં હવે સમગ્ર મામલો ઉઘાડો પડ્યો છે. જેને લઈ તપાસના ધમધમાટ પણ ચાલી રહ્યો છે.
‘જવાબદાર વ્યક્તિ સામે કોર્ટ કાર્યવાહી ચાલુ છે’
તેમણે ઉમેર્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મે. મોહીની કેટરર્સ ના જવાબદાર આલોક અમરસિંહ ઝઝારીયા પાસેથી ભાદરવી પૂનમના મેળા પૂર્વે ઘીના 2 લીગલ નમૂનાઓ લેવાયા હતા. આ બંને નમૂના અમૂલ ઘીના નામે ભળતા મે. મોહીની કેટરર્સ દ્વારા લોભ લાલચમાં આવીને ખરીદ કરવામાં આવ્યું હતું. આ ઘી ઉપયોગમાં ન લેવાય તે માટે તમામ જથ્થો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જપ્ત કરાયો છે. આ બાબતની અંબાજી મંદિરના ટ્રસ્ટને તાત્કાલિક ધ્યાન દોરતા ટ્રસ્ટ દ્વારા બનાસ ડેરીમાંથી પ્રસાદી માટેનું શુદ્ધ ઘી પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, તપાસ દરમિયાન અંદાજે રૂ. 8 લાખની કિંમતના 15 કિગ્રાના કુલ 188 ટીનમાંથી 2820 કિલોગ્રામ ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો હતો અને પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ ખાદ્ય ઘી બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ ‘સબ સ્ટાન્ડર્ડ’ આવતા મે. મોહિની કેટરર્સના જવાબદાર વ્યક્તિ સામે કોર્ટ કાર્યવાહી ચાલુ છે.
કોર્ટે જતીન શાહનાં એક દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા
અંબાજી મંદિર ખાતે બનતા પ્રસાદમાં ઉપયોગ કરવામાં આવતા ઘી માં ભેળસેળ મામલે વહીવટદાર, ફ્રૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ, પોલીસ તમામ વિભાગો દ્વારા તપાસને ઝડપી બનાવી હતી. જે બાદ તપાસનો રેલો અમદાવાદ માધુપુરા ખાતે આવેલ નીલકંઠ ટ્રેડર્સે પહોંચ્યો હતો. જ્યાંથી મોહિની કેટરર્સ દ્વારા ઘી નાં ડબ્બા ખરીદ્યા હતા. નીલકંઠ ટ્રેડર્સમાં રાતે તપાસ હાથ ધરી હતી. જે બાદ નીલકંઠ ટ્રેડર્સની દુકાનને સીલ કરી નોટીસ ચોંટાડવામાં આવી હતી. ત્યારે નીલકંઠ ટ્રેડર્સનાં માલિક જતીન શાહ આજે એકાએક પોલીસ સમક્ષ હાજર થઈ જતા પોલીસે તેઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા કોર્ટે એક દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.