પોસ્ટર કે રેલીમાં બાળકોનો સમાવેશ પર પ્રતિબંધ; સામેલ કર્યા તો કડક કાર્યવાહી: ચુંટણી પંચ || News Inside

by ND
Prohibition of inclusion of children in posters or rallies; Strict action if involved: Election Commission

લોકસભા ચૂંટણી-2024ને ધ્યાને લઈ ચૂંટણી પંચે આજે ગાઈડલાઈન બહાર પાડી છે. ગાઈડલાઈન મુજબ ચૂંટણી પ્રચારમાં બાળકો અથવા સગીરને સામેલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

પંચે કડક આદેશ સાથે જણાવ્યું છે કે, ચૂંટણી પ્રચારના પેમ્ફલેટ વહેંચતા, પોસ્ટર ચોંટાડતા, સૂત્રોચ્ચાર કરતા અથવા પક્ષનો ઝંડો લઈને ચાલતા બાળકો અથવા સગીર ન દેખાવા જોઈએ.

પ્રચારમાં બાળકનો ઉપયોગ કરશો તો ખેર નહીં

ચૂંટણી પંચે કહ્યું છે કે, ચૂંટણી સંબંધિત કામગીરી અથવા ચૂંટણી અભિયાન પ્રવૃત્તિઓમાં બાળકોને સામેલ કરનાર સામે કાર્યવાહી કરાશે. ગાઈડલાઈન મુજબ બાળકોને રાજકીય અભિયાનમાં સામેલ કરવા, કવિતાની ગાન કરાવવું, ગીત ગવડાવવું, સૂત્રોચ્ચાર કરાવવો, બાળકો દ્વારા રાજકીય પાર્ટી અથવા ઉમેદવારના પ્રતિકનું પ્રદર્શન કરાવવું વગેરે બાબતો સામેલ છે. ચૂંટણી પ્રચાર સંબંધિત પ્રવૃત્તિઓમાં બાળકોનો ઉપયોગ સહન કરી શકાશે નહીં.

ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરાશે

ચૂંટણી પંચે કહ્યું છે કે, જો ચૂંટણી પ્રચારમાં બાળકોને સામેલ કરવાની ઘટના સામે આવશે તો સંબંધિત પક્ષ કે ઉમેદવાર વિરુદ્ધ બાળશ્રમની તમામ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. આ મુદ્દે કાર્યવાહી કરવા જિલ્લા ચૂંટણી અધિકારી, રિટર્નિંગ ઓફિસરને જવાબદારી સોંપાઈ છે. જો કે, ચૂંટણી પંચે એમ પણ કહ્યું છે કે, રાજકીય નેતાની નજીકમાં માતા-પિતા અથવા વાલી સાથે એક બાળકની હાજરી હોય તો તે ચૂંટણી પ્રચાર પ્રવૃત્તિમાં સામેલ હોવાનું નહીં કહેવાય અને તેને ગાઈડલાઈનનું ઉલ્લંઘન પણ મનાશે નહીં.

બાળકોથી પ્રચાર કરાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી અંગે ચૂંટણી પંચે કહ્યું કે, તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ બાળશ્રમ (નિષેધ અને નિયમન) અધિનિયમ-1986નું ચુસ્તપણે પાલન સુનિશ્ચિત કરવું જરૂરી છે. ચૂંટણી પંચે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને ટાંકીને કહ્યું કે, સુધારેલ અધિનિયમ-2016 મુજબ તમામ રાજકીય પક્ષોએ બાળકોને ચૂંટણી પ્રચારમાં ન સામેલ કરવા જરૂરી છે અને પક્ષો પણ પોતાના ઉમેદવારને મંજૂરી ન આપે.

Related Posts